સેનિટરી નેપ્કિન્સને કરમુક્ત કરવા બદલ અક્ષય-ટ્વિન્કલે જીએસટી કાઉન્સિલનો આભાર માન્યો

0
1512

મુંબઈ – મહિલાઓ માટે ઉપયોગી એવા સેનિટરી નેપ્કિન્સને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માંથી મુક્ત કરવા બદલ બોલીવૂડના રાષ્ટ્રીય એવોર્ડવિજેતા અભિનેતા અક્ષય કુમાર અને એની અભિનેત્રી-નિર્માત્રી પત્ની ટ્વિન્કલ ખન્ના-ભાટિયાએ જીએસટી કાઉન્સિલનો આભાર માન્યો છે.

સ્ત્રીઓને માસિક સ્ત્રાવ (પીરિયડ)ની કુદરતી સમસ્યા વખતે આરોગ્ય સ્વચ્છતાનું ધ્યાન રાખવું પડે છે. એ માટે એમણે બજારમાં ઉપલબ્ધ સેનિટરી પેડ્સ કે નેપ્કિન્સનો ઉપયોગ કરવો પડે છે, પરંતુ આ પેડ્સ ખૂબ મોંઘાં હોય છે. સેનિટરી નેપ્કિન્સ વિશે મહિલાઓમાં જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘પેડમેન’માં અક્ષય કુમારે મુખ્ય ભૂમિકા કરી હતી.

અક્ષયે એના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે કે, ‘એક એવો દિવસ જ્યારે એક સમાચાર સાંભળીને તમારી આંખો હર્ષનાં આંસુથી છલકાઈ જાય, કારણ કે તમારું એક સપનું સાકાર થયું. થેંક્યૂ જીએસટી કાઉન્સિલ કે તમે મેન્સ્ટ્રુઅલ હાઈજીનના મુદ્દાને ગંભીરતાથી લીધો અને એની પરથી ટેક્સ હટાવી દીધો. મને ખાતરી છે કે આ નિર્ણયથી દેશની કરોડો મહિલાઓ એકદમ ખુશ થઈ ગઈ હશે.’

સરકારે સેનિટરી પેડ્સ પરનો જીએસટી, જે અગાઉ 12 ટકા હતો, એને સંપૂર્ણપણે હટાવી દીધો છે.

‘પેડમેન’ ફિલ્મ અરૂણાચલમ મુરુગનાથમ નામના એક નાગરિકના વાસ્તવિક જીવન પર આધારિત છે. તામિલનાડુના એક નાનકડા ગામના અને સ્કૂલમાંથી અભ્યાસ છોડી દેનારા અરુણાચલમ મુરુગનાથમે એવા મશીનની શોધ કરી હતી જે સેનિટરી પેડ્સનું ઉત્પાદન કરે છે અને તે પણ બ્રાન્ડેડ સેનિટરી પેડ્સ કરતાં ઓછી કિંમતે. એને કારણે ગ્રામીણ ભારતની હજારો મહિલાઓને માસિક ધર્મ દરમિયાન સુરક્ષિત અને આરોગ્યપ્રદ વિકલ્પ મળે છે.

‘પેડમેન’માં અક્ષય કુમારે અરૂણાચલમની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં એનું નામ લક્ષ્મીકાન્ત ચૌહાણ છે.

એ ફિલ્મનું નિર્માણ અક્ષયની પત્ની ટ્વિન્કલ ખન્નાએ કર્યું હતું અને દિગ્દર્શક હતા આર. બાલ્કી. ફિલ્મમાં રાધિકા આપ્ટે અને સોનમ કપૂરે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

અક્ષય અને ટ્વિન્કલે ગયા વર્ષે જ ભારત સરકારને વિનંતી કરી હતી કે સેનિટરી નેપ્કિન્સને કરમુક્ત કરવામાં આવે.