મુંબઈઃ એસી લોકલ ટ્રેનમાં શનિવારે પણ સફર કરવા મળશે

0
1489

મુંબઈ – મુંબઈગરાંઓ માટે ખુશખબર છે. પશ્ચિમ રેલવેના સત્તાવાળાઓ દેશની પ્રથમ એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન, જે મુંબઈમાં શરૂ કરવામાં આવી છે તેને દર શનિવારે પણ દોડાવવા વિચારી રહ્યાં છે.

જો એમ થશે તો મુંબઈગરાંઓને વીકએન્ડમાં ઠંડી ઠંડી ટ્રેનમાં ફરવાનો લ્હાવો મળશે.

હાલ આ ટ્રેનને સપ્તાહમાં માત્ર પાંચ જ દિવસ – સોમવારથી શુક્રવારે જ દોડાવવામાં આવે છે.

સત્તાવાળાઓનું કહેવું છે કે દર સપ્તાહાંતે એસી લોકલ ટ્રેનનું મેઈન્ટેનન્સ કામ કરવામાં આવતું હોય છે એટલે એની સેવા દર શનિ-રવિ બંધ રાખવામાં આવે છે.

પરંતુ, મેઈન્ટેનન્સ કામકાજ શક્ય એટલું થાય તેમજ અન્ય પ્રશ્નોના નિરાકરણ માટેની ટેકનિકલ બાબતો પર હાલ કામ ચાલી રહ્યું છે. એ કામ પૂરું થઈ ગયા બાદ પશ્ચિમ રેલવે દર શનિવારે પણ એસી લોકલ ટ્રેન દોડાવશે એવું રેલવેના સૂત્રોનું કહેવું છે.