અભિનંદન વર્તમાન જેવી મૂછ બનાવવા ભારતના પુરુષોમાં શરૂ થયો છે ક્રેઝ

મુંબઈ – દેશની સરહદમાં ઘૂસી આવેલા પાકિસ્તાની હવાઈ દળના એક એફ-16 વિમાનને ભગાડતી વખતે પાકિસ્તાની પ્રદેશમાં પહોંચી જનાર અને ત્યાં પોતાનું મિગ વિમાન પડી જતાં ફસાઈ ગયેલા, પણ 60 કલાકે સુખરૂપ પાછા ફરેલા ભારતીય હવાઈ દળના વિન્ગ કમાન્ડર પાઈલટ અભિનંદન વર્તમાન પર અભિનંદનનો વરસાદ વરસ્યો છે અને સાથોસાથ એમની મૂ્છ પણ એકદમ હિટ થઈ ગઈ છે.

ઘણા લોકો અભિનંદન સ્ટાઈલની મૂછ બનાવવા માટે પોતપોતાના હેર ડ્રેસરો પાસે દોડ્યા છે. આ મૂછે ઓનલાઈન મોટો જુવાળ ઊભો કર્યો છે અને આગામી દિવસોમાં એ કદાચ એક ટ્રેન્ડ બની જાય એવી શક્યતા છે.

પાકિસ્તાન સરકારે અભિનંદનની સોંપણી ગયા શુક્રવારે રાતે વાઘા સરહદ પર ભારતીય સત્તાવાળાઓને કરી હતી.

અત્યંત કઠિન પરિસ્થિતમાં બહાદુરી બતાવવા બદલ અભિનંદનની દેશભરમાં ચારેકોર વાહ-વાહ થઈ રહી છે. એફ-16 વિમાનને તોડી પાડ્યા બાદ વિન્ગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાન પ્રદેશમાં પડી ગયા હતા. ત્યાં સ્થાનિક લોકોએ એમની મારપીટ કરી હતી, પણ અમુક પાકિસ્તાની સૈનિકોએ એમને બચાવી લીધા હતા.

બેંગલુરુના કોલેસ રોડ પરના એક સલૂનના માલિક ચાંદ મોહમ્મદે કહ્યું કે અભિનંદન અમારો રિયલ હિરો છે. અમે એની સ્ટાઈલની મૂછોને ઈન્ટ્રોડ્યૂસ કરી છે. અભિનંદન વર્તમાન જેવી મૂછ બનાવવા માટે અમારે ત્યાં દરરોજ 10 જેટલા યુવાનો આવે છે.

બ્રાન્ડ અને ઈમેજ પર્સેપ્શન ક્ષેત્રના એક નિષ્ણાતનું કહેવું છે કે પાઈલટ અભિનંદનની મૂછોને ઘણા પુરુષો પસંદ કરવા લાગ્યા છે અને તે એક બ્રાન્ડ બની ગઈ છે.

ભારતમાં ઘણા હેર કટિંગ સલૂન ‘અભિનંદન સ્ટાઈલ’ની મૂછ અને હેરકટ કરાવનાર ગ્રાહકોને ખાસ પ્રકારનું ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યાં છે.

જાણીતી અમૂલ બ્રાન્ડે અભિનંદનની બહાદુરીને બિરદાવવા માટે એક વિડિયો રિલીઝ કર્યો છે જેનું શિર્ષક છે: ‘અમૂલ મૂછઃ ટુ અભિનંદન ફ્રોમ અમૂલ’

httpss://twitter.com/Amul_Coop/status/1101834202423672833