મુંબઈના LTT સ્ટેશન પર ટ્રેનમાંથી વિસ્ફોટક જિલેટિન સ્ટિક્સ મળી આવી

મુંબઈ – શહેરના કુર્લા ઉપનગરનાન લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) સ્ટેશન ખાતે શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાંથી આજે જિલેટિનની પાંચ સ્ટિક્સ મળી આવી હતી. રેલવે પોલીસ ફોર્સે આનો કબજો લઈ તપાસ આદરી છે.

રેલવે પોલીસને જાણ થતાં જ એના જવાનો ટ્રેનમાં પહોંચી ગયા હતા.

મુંબઈના રેલવે કમિશનરના જણાવ્યા મુજબ, એલટીટી સ્ટેશન પર ઊભેલી શાલીમાર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાંથી શંકાસ્પદ, વિસ્ફોટક ચીજો મળી આવી હતી. તે પેકેટની સાથે એક પત્ર પણ મળી આવ્યો હતો, જેમાં લખ્યું છેઃ ‘આ પેકેટ અહીંયા રાખો, નવી ટીમ અહીંયાથી લઈ જશે.’ પેકેટની સાથે એક બેટરી પણ જોડવામાં આવી હતી.

LTT-શાલીમાર એક્સપ્રેસ (18029) અને શાલીમાર એક્સપ્રેસ-LTT એક્સપ્રેસ (18030) ટ્રેન મુંબઈના કુર્લાના LTT સ્ટેશનેથી ઉપડે છે અને પશ્ચિમ બંગાળના શાલીમાર સ્ટેશનેથી મુંબઈના LTT આવતી હોય છે.

જિલેટિન એક વિસ્ફોટક પદાર્થ છે. આ બોમ્બનો સ્ફોટ કરવા માટે હિંસાખોરો લોકોના ટોળા પર એ ફેંકે છે.