કલોલ-મહેસાણા હાઇવે પર કલોલ અને નંદાસણ નજીક ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત થયું

ગાંધીનગર– કલોલ-મહેસાણા હાઇવે પરની ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાને હલ કરવાના ઉમદા આશયથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કલોલ અને નંદાસણ નજીક રૂપિયા ૯૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવનાર છે. દશેરાના પાવન પર્વે રાજયના ડેપ્યુટી સીએમ નીતિનભાઇ પટેલના હસ્તે બન્ને ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં કલોલની સિંધબાજ હોટલ નજીકનો ઓવરબ્રિજ રૂ.૫૦ કરોડના ખર્ચે અને નંદાસણ ચોકડી પાસેનો ઓવરબ્રિજ રૂ.૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામશે.

કલોલ ખાતે યોજાયેલ ખાતમુર્હત સમારંભમાં રાજયના ડેપ્યુટી સીએમ નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકારે હમેંશા જનસુખાકારીના કામોને પ્રાધાન્ય આપ્યું છે. કલોલ–મહેસાણા હાઇવે આજે વાહનોથી ધમધમતો માર્ગ છે. આ માર્ગ પર ભવિષ્યમાં ટ્રાફિકની જટિલ સમસ્યા ઉભી ન થાય અને માર્ગથી નજીકમાં રહેણાંક, સ્કુલ-કોલેજ તથા ધંધા-રોજગારનો વિકાસ થવાથી નાના મોટા અકસ્માતની દુર્ધટના ન બને તેવા શુભ આશયથી કલોલ અને નંદાસણ નજીક ટૂંક સમયમાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ ઓવરબ્રિજનું નિર્માણ થયા બાદ કલોલવાસીઓને હાઇવેને ક્રોસ કરવાની જરૂર નહિ રહે. થોડાક સમય અગાઉ હાઇવેથી કલોલ નગરના પ્રવેશ દ્રાર પાસે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.