મિતાલી રાજનાં જીવન પરથી બોલીવૂડ બાયોપિક ફિલ્મ બનાવાશે

0
3334

મુંબઈ – મહેન્દ્ર સિંહ ધોની, સાઈના નેહવાલ બાદ હવે ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજનાં જીવન પર આધારિત હિન્દી ફિલ્મ બનાવવામાં આવનાર છે.

વાયકોમ18 મોશન પિક્ચર્સ કંપનીએ આ જાહેરાત કરી છે.

જીવન ટૂંક સમયમાં રૂપેરી પડદા પર રજૂ થશે; ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ઉપર બનાવાશે બાયોપિક ફિલ્મ

મિતાલી રાજનું માનવું છે કે પોતાનાં જીવન વિશેની ફિલ્મ દેશમાં યુવા છોકરીઓને સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા બની રહેશે.

34 વર્ષીય મિતાલી રાજે 1999માં 16 વર્ષની વયે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. એણે તે જ વર્ષમાં આયર્લેન્ડ સામેની મેચમાં પોતાની પહેલી સદી ફટકારી હતી અને મહિલાઓની ક્રિકેટમાં એ સૌથી યુવા વયની સેન્ચુરીયન બની છે.

મિતાલી અત્યાર સુધીમાં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 6000થી વધારે રન બનાવી ચૂકી છે અને તે વિશ્વની વિક્રમધારક છે. માટે જ એને મહિલાઓની ક્રિકેટની સચીન તેંડુલકર કહેવામાં આવે છે.

અર્જૂન એવોર્ડ અને પદ્મશ્રીથી સમ્માનિત મિતાલી અત્યાર સુધીમાં વન-ડે મેચોમાં સતત 7 હાફ સેન્ચુરી ફટકારવાનો પણ વિશ્વવિક્રમ ધરાવે છે અને આઈસીસી ODI વર્લ્ડ કપ સ્પર્ધાની ફાઈનલમાં બે વખત (2005 અને 2017માં) ટીમને દોરી જનાર તે પહેલી ભારતીય કેપ્ટન છે.