શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ સેશનઃ સેન્સેક્સ 194 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ– શેરબજારમાં વિક્રમ સંવત 2074ના નવા વર્ષના મુહૂર્તના ટ્રેડિંગ નવી તેજીની આશા સાથે થયા હતા, પણ ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ તમામ સેકટરના શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. જોકે કેટલાક બ્લુચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો પણ આવ્યો હતો. જો કે આજે નોર્થ કોરિયા ઈફેક્ટ માર્કેટ પર જોવા મળતી હતી. એક કલાકની સેશનમાં છેલ્લા અડધા કલાકમાં ભારે વેચવાલી ફરી વળી હતી. ટ્રેડિંગ સેશનને અંતે BSE સેન્સેક્સ 194.39 ઘટી 32,389.96 બંધ રહ્યો હતો નિફટી 64.30 તૂટી 10,146.55 બંધ રહ્યા હતા.વીતેલા 2073ના વર્ષમાં શેરબજારમાં ફુલગુલાબી તેજી થઈ હતી. સેન્સેક્સ અને નિફટીએ લાઈફ ટાઈમ હાઈ લેવલ બતાવ્યા હતા. પ્રાઈમરી માર્કેટમાં પણ આઈપીઓમાં રોકાણકારોને ખુબ સારુ વળતર મળ્યું છે. આમ વીતેલું વર્ષ શેરબજારમાં તેજીનું ગયું છે. હવે નવા વર્ષે આ તેજી આગળ વધે તેવો આશાવાદ છે. કેન્દ્ર સરકાર આર્થિક સુધારા કરી રહી છે. નોટબંધી પછી જીએસટીનું અમલીકરણ કર્યું છે. તે પછીની સ્થિતી થોડી કપરી હતી. પણ હવે સ્થિતી થાળે પડી ગઈ છે. આઈઆઈપી ગ્રોથ વધ્યો છે અને મોંઘવારી દર પણ ઘટ્યો છે. આરબીઆઈ સતત વ્યાજ દર ઘટાડી રહી છે. મોદી સરકાર હજી વધુ ઈકોનોમી રીફોર્મ્સ કરવા જઈ રહી છે. ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં પણ નવા રોકાણ કરવાની દિશામાં વિચારી રહી છે. આમ સરકારના પગલાને કારણે શેરબજાર ખુબ આશાવાદી છે.

અમદાવાદ સ્ટોક માર્કેટના પૂર્વ ઉપપ્રમુખ રાજીવ શાહે chitralekha.comને જણાવ્યું હતું કે નવા વર્ષમાં માર્કેટ સ્ટોક સ્પેસિફિક ચાલશે. સેકટરો બદલાશે. બેંક અને ફાઈનાન્સ સેકટરના શેરોમાં નફો બુક કરવો, તેમજ તેની સામે કેમિકલ, ઈન્ફ્રાસ્ટ્ર્કચર, રીઅલ એસ્ટેટ, ઓટોમોબાઈલ અને ઓટો-એન્સેલરી સેકટરના શેરો બેસ્ટ બાય રહેશે.

નવા વર્ષ માટે સ્ટોક માર્કેટમાં ખુબ આશાવાદ છે, પણ ગ્લોબલ ઈવેન્ટ પર ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.