આગામી મહિનાથી AC રેસ્ટોરન્ટમાં જમવાનું થઈ શકે છે સસ્તું

નવી દિલ્હી– એસી રેસ્ટોરન્ટમાં જમવાનું સસ્તુ થઈ શકે છે. સૂત્રો દ્વારા જાણકારી મળ્યા મુજબ કેન્દ્ર સરકાર એસી રેસ્ટોરન્ટમાં ખાવા પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરશે. જે પછી નોન-એસી અને એસી રેસ્ટોરન્ટની વચ્ચે ટેક્સનું અંતર સમાપ્ત થઈ જશે.રવિવારે પ્રધાનોના સમૂહની બેઠકમાં જીએસટી ઘટાડવા પર સર્વસંમતિ થઈ ગઈ છે. સૂત્રોના કહેવા પ્રમાણે મોટાભાગના રાજ્યો એસી રેસ્ટોરન્ટમાં જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવાના પક્ષમાં હતા. જેથી હવે પછી નવેમ્બરમાં મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાય તેવી સંભાવના છે. હા… ફાઈવ સ્ટાર હોટલ અથવા તો ઊંચી કેટેગરીની હોટલમાં જીએસટી રેટ 18 ટકા યથાવત રખાશે.

તાજેતરમાં જ નાણાં સચીવ હસમુખ અઢિયાએ કહ્યું હતું કે જીએસટીનો સૌથી ઊંચો દર 28 ટકા છે, જેમાં આવતી ચીજવસ્તુઓની સંખ્યામાં ઘટાડો કરાશે. એટલે કે દરોમાં ઘટાડો થશે. પણ તે પહેલા આવક પર કેટલી અસર પડે છે, તેનો અભ્યાસ કરાશે.