ઝિમ્બાબ્વે: પ્રેસિડેન્ટ ચૂંટણીમાં એમર્સનની જીત પર વિપક્ષોએ ઉઠાવ્યા પ્રશ્નો

હરારે- ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલી હિંસાઓ વચ્ચે ચૂંટણી પંચે સંસદીય ચૂંટણીઓના પરિણામની જાહેરાત કરી છે. જેમાં ફરી એકવાર વર્તમાન પ્રેસિડેન્ટ એમર્સન મેનગાગ્વાએ ચૂંટણી જીતી લીધી છે. ZANU-PF  પાર્ટીના નેતા એમર્સન મેનગાગ્વાને 50.8 ટકા મત મળ્યા હતા. જ્યારે બીજા નંબરે MDC પાર્ટીના નેલ્સન ચમિસાને 44.3 ટકા મત મળ્યા હતા.ઝિમ્બાબ્વે ચૂંટણી પંચે પ્રેસિડેન્ટ ચૂંટણીના પરિણામની જાહેરાત કરતા એમર્સન મેનગાગ્વાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. જોકે, જીતનું આ અંતર ઘણું ઓછું છે. બીજી તરફ MCD પાર્ટીના નેતા નેલ્સન ચમીસાએ ચૂંટણી પરિણામ અંગે સવાલ ઉઠાવ્યા છે અને પરિણામને ખોટા ગણાવ્યા છે.

આ અગાઉ પરિણામને લઈને બન્ને નેતાઓ પોતાની જીતનો દાવો કરી રહ્યા હતા. વિપક્ષના વરિષ્ઠ નેતા તેન્દઈ બિટીએ દાવો કર્યો હતો કે, પાર્ટી નેતા નેલ્સન ચમીસાએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી લીધી હતી અને આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓ પરિણામની જાહેરાતમાં વિલંબ કરી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે, ઝિમ્બાબ્વેમાં ગત સોમવારે પ્રેસિડેન્ટની ચૂંટણી યોજવામાં આવી હતી.

ઝિમ્બાબ્વેમાં 37 વર્ષના શાસન બાદ રોબર્ટ મુગાબેને પ્રેસિડેન્ટ પદેથી દૂર કરાયા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકન દેશમાં યોજાયેલી આ ઐતિહાસિક ચૂંટણીમાં એક સમયના ZANU-PF પાર્ટીમાં મુગાબેના સહયોગી રહેલા એમર્સન મેનગાગ્વા અને MDC પાર્ટીના નેલ્સન ચમીસા વચ્ચે સીધો મુકાબલો હતો.