જિનપીંગનો હુંકાર: સેનાને કહ્યું, યુદ્ધ જીતવા માટે કરો તૈયારી

બિજીંગ- વધુ એક ટર્મ માટે ચીનના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈને આવેલા શી જિનપીંગે સેનાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. પીપલ્સ લિબરેશન આર્મી સાથેની બેઠકમાં જિનપીંગે સેનાને કહ્યું કે, આર્મીનું લક્ષ્યાંક માત્ર યુદ્ધ જીતવાનું હોવું જોઈએ. વધુમાં જિનપીંગે કહ્યું કે, આપણે એ વાત પર ફોકસ કરવું જોઈએ કે, વર્ષ 2050 સુધીમાં આપણી આર્મીને કેવી રીતે વર્લ્ડક્લાસ આર્મી બનાવી શકાય.

ઉલ્લેખનીય છે કે, બીજી વખત પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈને આવ્યા બાદ જિનપીંગની PLA સાથે આ પ્રથમ બેઠક હતી. બેઠકમાં જિનપીંગ પોતે પણ આર્મી ડ્રેસકોડમાં જોવા મળ્યા હતા. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું કે, હાઈરેન્કિંગ ઓફિસર્સ પાર્ટી માટે સંપૂર્ણરીતે વફાદાર હોવા જોઈએ. સાથે જ યુદ્ધ જીતવા માટેની તૈયારીમાં પણ સક્ષમ હોવા જોઈએ.

જિનપીંગે આર્મી ઓફિસર્સને સંબોધન કરતા કહ્યું કે, સેનાએ સતત અભ્યાસ પર ધ્યાન કન્દ્રિત કરવું જોઈએ. ઉપરાંત નેશનલ ડિફેન્સ સિસ્ટમમાં રિફોર્મ પણ કરતા રહેવું જોઈએ. જિનપીંગે કહ્યું કે, આપણે એક એવી સેના તૈયાર કરવી છે જે CPCની માગણીઓ સાંભળે અને યુદ્ધ જીતવામાં સક્ષમ હોય.