અમેરિકાએ કરી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની તરફેણ

વોશિંગ્ટન- એમેરિકન પ્રશાસને એ વાતનો સ્વીકાર કર્યો છે કે, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસૂદ અઝહર ખતરનાક વ્યક્તિ છે. જેથી તેને વૈશ્વિક આતંકી જાહેર કરવો જોઈએ. આપને જણાવી દઈએ કે, મસૂદ અઝહર ભારતમાં પઠાનકોટ એરબેઝ પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ છે.

મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાની અમેરિકાએ તરફેણ કરી છે, જ્યારે ચીન મસૂદ અઝહરનો બચાવ કરવા હંમેશા પાકિસ્તાનની પડખે ઉભું રહે છે અને મસૂદને વૈશ્વિક આતંકી જાહેર નહીં કરી તેનો બચાવ કરી રહ્યું છે. અમેરિકાએ કહ્યું કે, મસૂદ પાકિસ્તાનમાં રહે છે અને તેને વૈશ્વિક આતંકી ઘોષિત કરવાની વાતને અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને સમર્થન આપ્યું છે.

આ પ્રસ્તાવને રોકવામાં ચીને ચોથીવાર અવરોધ ઉભો કર્યો હતો. જેનું કારણ જણાવતા ચીને કહ્યું કે, સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ પ્રતિબંધ સમિતિના સદસ્ય દેશો આ મામલે એકમત નથી. ઉલ્લેખનીય છે કે, મસૂદ અઝહરનું આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ પ્રતિબંધ સમિતિની યાદીમાં પહેલેથી જ પ્રતિબંધિત છે.