શું સીરિયા પર મોટી સૈન્ય કાર્યવાહીની તૈયારી કરી રહ્યાં છે ટ્રમ્પ?

વોશિંગ્ટન- સીરિયામાં ગત સપ્તાહે કરાયેલા રાસાયણિક હુમલા બાદ અમેરિકાએ સીરિયા પર મોટી સૈન્ય કાર્યવાહી કરવાનું મન બનાવ્યું હોય તેમ લાગી રહ્યું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની લેટિન અમેરિકાની યાત્રા રદ્દ કરી, કારણકે તેઓ સીરિયા મુદ્દે અમેરિકનોની પ્રતિક્રિયાનું મુલ્યાંકન કરી શકે. જે અંગે ટ્રમ્પે સીરિયાના રાસાયણિક હુમલા પર સૈન્ય કાર્યવાહી કરવા અંગે વૈશ્વિક સહયોગ મેળવવા ચર્ચા પણ કરી હતી.અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન આ સપ્તાહના અંત સુધીમાં સીરિયા પર સૈન્ય કાર્યવાહી કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી શકે છે. હજી સુધી આ નિર્ણય અંગે ત્રણમાંથી કોઈ દેશના નેતા કોઈ નક્કર નિર્ણય પર પહોંચ્યા નથી. પરંતુ આ નેતાઓની બેઠકથી સંયુક્ત સૈન્ય અભિયાન દ્વારા રાસાયણિક હથિયારોનો મુકાબલો કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે સંદેશ જશે એ સ્પષ્ટ વાત છે.

ફ્રાંસના પ્રેસિડેન્ટ ઈમૈનુઅલ મૈક્રોને કહ્યું કે, ફ્રાંસ, અમેરિકા અને બ્રિટન આગામી દિવસોમાં એ નિર્ણય કરશે કે, સૈન્ય કાર્યવાહી કેવી રીતે કરી શકાય. વધુમાં મૈક્રોએ સીરિયાના ડૂમા શહેર ઉપર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી અને તેનો સંયુક્ત જવાબ આપવા આહ્વાન કર્યું હતું. સીરિયાઈ કાર્યકર્તા અને બચાવકર્તાઓએ કહ્યું કે, હુમલામાં 40 લોકોના મોત થયા હતા. જોકે સીરિયા સરકારે આ હુમલા અંગે કોઈ જવાબદારી લેવાનો ઈનકાર કર્યો છે.