રાહુલે દુબઈમાં વસતા ભારતીયોને ખાતરી આપીઃ અમારા ચૂંટણી ઘોષણાપત્રમાં તમારા પ્રશ્નોનો સમાવેશ કરીશું

દુબઈ – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હાલ બે દિવસ માટે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના પ્રવાસે ગયા છે. તેઓ અહીં આ પહેલી જ વાર પ્રવાસે આવ્યા છે. આજે તેઓ દુબઈમાં ભારતીય વસાહતીઓને મળ્યા હતા અને એમને ખાતરી આપી હતી કે આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઘોષણાપત્રમાં વસાહતીઓની સમસ્યાઓ અને પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.

રાહુલ ગાંધી ગુરુવારે રાતે દુબઈ પહોંચ્યા હતા. એમણે આજે સવારે યુએઈના ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી હતી અને ત્યારબાદ જબેલ અલી ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ભારતીય વસાહતી કામદારો સાથે વિચારવિમર્શ કર્યો હતો.

કામદારોને સંબોધિત કરતાં રાહુલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા એમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ વિશે ટકોર કરતા જણાવ્યું હતું કે હું અહીંયા મારી ‘મન કી બાત’ કરવા નથી આવ્યો, પણ હું તમારી ‘મન કી બાત’ સાંભળવા આવ્યો છું.

તાળીઓનાં ગડગડાટ અને હર્ષનાદો વચ્ચે રાહુલે કહ્યું કે તમે તમારા પરિવારજનોને ભારતમાં મૂકીને તમારા પરિવારજનો માટે કમાવા અહીં સખત મહેનત કરો છો. હું તમને ખાતરી આપું છું કે અમે તમારી સાથે છીએ… હું તમારી સમસ્યાઓ સાંભળવા આવ્યો છું. અમે શક્ય હશે એ બધી મદદ તમને કરીશું. અમે એ માટે તૈયાર છીએ.

રાહુલ ગાંધીની સાથે કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમન ચાન્ડી, ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ ચેરમેન સેમ પિત્રોડા પણ હતા.

રાહુલે દુબઈમાં વસતા ભારતીય કામદારો તથા ભારતમાં રહેતા એમના પરિવારજનોને નડતી સમસ્યાઓ વિશે કામદારો સાથે ચર્ચા કરીને જાણકારી મેળવી હતી.

અનેક કામદારોએ ફરિયાદ કરી હતી કે એમને એમનો પગાર પૂરેપૂરો મળતો નથી અને દલાલો એમની સાથે ઠગાઈ કરે છે. ત્યારે રાહુલે એમને કહ્યું હતું કે તમે પિત્રોડાને તમારી ફરિયાદો જણાવી દો જેથી કોંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં એનો સમાવેશ કરી શકાય.

‘તમારી સમસ્યાઓ અને પ્રશ્નો પિત્રોડાને જણાવો. અમે એનો સમાવેશ અમારા ચૂંટણીઢંઢેરામાં કરીશું. અમે તમારી સમસ્યાઓ જાણવા માગીએ છીએ અને એ સમસ્યાઓ કેવી રીતે ઉકેલવી એ ભારત સરકાર પ્રયાસ કરશે. આ સરકાર નહીં (મોદી સરકાર નહીં) ચૂંટણી પછી સત્તા પર આવનારી સરકાર કરશે,’ એમ રાહુલે વધુુમાં કહ્યું.

આંધ્ર પ્રદેશના અમરાવતીમાંથી આવેલા એક કામદારને જવાબ આપતાં રાહુલે ખાતરી આપી કે કોંગ્રેસ જો કેન્દ્રમાં સત્તા પર આવશે તો આંધ્ર પ્રદેશને વિશેષ કેટેગરીનો દરજ્જો આપશે.

લોકસભા ચૂંટણી માટે જાગતિક સ્તરે લોકોનો ટેકો હાંસલ કરવાની યોજનાના ભાગ રૂપે યુએઈમાં આવેલા રાહુલ ગાંધીએ દુબઈસ્થિત ઈન્ડિયન બિઝનેસ એન્ડ પ્રોફેશનલ્સ કાઉન્સિલના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરી હતી અને પંજાબ સમાજનાં લોકોને પણ મળ્યા હતા.