માલ્યાની કિંગફિશર એરલાઈન્સ બ્રિટનની અદાલતમાં કેસ હારી ગઈ; 9 કરોડ ડોલર ચૂકવવા પડશે

લંડન – ચારેબાજુએથી ભીંસમાં આવી ગયેલા લિકર ઉદ્યોગના મહારથી વિજય માલ્યા બ્રિટનની હાઈકોર્ટમાં એક કેસ હારી ગયા છે. હાલ બંધ થઈ ગયેલી માલ્યાની કિંગફિશર એરલાઈન્સને સાંકળતા એક કાનૂની જંગમાં માલ્યાનો સિંગાપોરસ્થિત બીઓસી એવિએશન સામે પરાજય થયો છે અને બ્રિટિશ હાઈકોર્ટે કિંગફિશરને આદેશ આપ્યો છે કે તે બીઓસીને એણે કરેલા દાવા પ્રમાણે 9 કરોડ ડોલર ચૂકવી દે.

62 વર્ષના ઉદ્યોગપતિ માલ્યાની સામે આરોપ છે કે એમણે ભારતની બેન્કો પાસેથી રૂ. 9000 કરોડની લોન લીધી હતી, પણ એ પરત ચૂકવી નથી અને બ્રિટનમાં ભાગી ગયા છે. ભારત સરકારે માલ્યાની સોંપણી કરી દેવા માટે બ્રિટનની અદાલતમાં કેસ કર્યો છે. લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ કેસ ચાલે છે. એમાં કિંગફિશર એરલાઈન્સને લગતા કેસમાં માલ્યાનો પરાજય થયો છે. આ કેસ કિંગફિશર એરલાઈન્સ દ્વારા 2014ની સાલમાં વિમાન લીઝ પર આપવાને લગતો છે.

સિંગાપોરની બીઓસી એવિએશન અને બીઓસી એવિએશન (આયરલેન્ડ) લિમિટેડે કરેલા આ કેસના પ્રતિવાદીઓ તરીકે કિંગફિશર એરલાઈન્સ લિમિટેડ અને યૂનાઈટેડ બ્રુવરીઝ (હોલ્ડિંગ્સ) લિમિટેડનું નામ આપવામાં આવ્યું છે.

બીઓસી એવિએશન સિંગાપોરના પ્રવક્તાએ કહ્યું છે કે અમને ચુકાદાથી આનંદ થયો છે.

કેસની વિગત અનુસાર, કિંગફિશર એરલાઈન્સ અને વિમાન લીઝ પર આપતી કંપની બીઓસી એવિએશન વચ્ચે ચાર વિમાન લીઝ પર આપવાના મામલે લીઝિંગ કરાર થયો હતો. કિંગફિશરે ચારને બદલે ત્રણ વિમાન જ ડિલીવર કર્યા હતા.