વિજય માલ્યા કેસમાં આજે ચુકાદાની તારીખ નક્કી કરશે લંડન કોર્ટ

લંડન- ભારતની બેન્કોમાંથી 9 હજાર કરોડથી પણ વધારેની લોન લઈને વિદેશ ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યા સામે લંડનમાં ચાલી રહેલા કેસની સુનાવણીમાં આજે મહત્વનો દિવસ છે. લંડનના વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ આ કેસમાં આજે ચુકાદાની તારીખ જાહેર કરી શકે છે. મળતી માહિતી મુજબ વિજય માલ્યા પણ કોર્ટમાં હાજર રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.આપને જણાવી દઈએ કે, કિંગફિશર એરલાઈન્સના પૂર્વ માલિક વિજય માલ્યા ભારતમાં તેનું પ્રત્યાર્પણ નહીં કરવા માટે બ્રિટનની કોર્ટમાં કાનૂની લડાઈ લડી રહ્યા છે. ગત વર્ષે એપ્રિલમાં તેમની અટકાયત કરાયા બાદથી વિજય માલ્યા હાલમાં જામીન પર મુક્ત છે.

આ કેસમાં ભારતીય એજન્સીઓનો પક્ષ રજૂ કરી રહેલા ક્રાઉન પ્રોસીક્યૂશન સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘સિનિયર ડિસ્ટ્રિક્ટ જજ એમ્મા અર્બુથનાટ આ મામલે અંતિમ સુનાવણી કરશે. ચુકાદો આગામી તારીખ માટે અનામત રાખવામાં આવશે. 27 અપ્રિલની ગત સુનાવણી દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સી CBIને એ સમયે મોટી સફળતા મળી હતી જ્યારે આ કેસમાં ન્યાયાધીશ અર્બુથનાટે ભારતીય એજન્સીઓ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓનો સ્વીકાર કર્યો હતો.

આજની સુનાવણી એ નિર્ધારિત કરશે કે, શું વિજય માલ્યા ભારત પરત ફરશે કે નહીં. જોકે, તેમાં હજી પણ એક અવરોધ રહેલો છે. કારણકે જો ચુકાદો વિજય માલ્યાની વિરુદ્ધમાં આવશે તો પણ તેની પાસે ઉપરની અદાલતમાં અપીલ કરવાની તક રહેલી છે. ઉલ્લેખનીય છે કે, કદાચ વિજય માલ્યા ભારત પરત ન આવે તો પણ ભારતીય એજન્સીઓને લોનના નાણાં વસુલ કરવામાં સરળતા રહેશે.