US એરપોર્ટ પર પાક. PMના ઉતારાવ્યા કપડા, આતંકી દેશ હોવાની મળી સજા?

વોશિંગ્ટન- પાકિસ્તાનના વડાપ્રધાન શાહીદ અબ્બાસીને અમેરિકા પ્રવાસ દરમિયાન જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર રુટીન સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડ્યું હતું. પાકિસ્તાની મીડિયાએ આ ઘટનાને અપમાન ગણાવી છે. આપને જણાવી દઈએ કે, અમેરિકાએ વીઝા પ્રતિબંધ અમલમાં મુકી, સુરક્ષા સહાય પર રોક લગાવી ઉપરાંત પાકિસ્તાનની કેટલીક કંપનીઓને બ્લેકલીસ્ટમાં મુકીને પાકિસ્તાનને ઝાટકો આપ્યો છે.પાકિસ્તાની ટીવી ચેનલના જણાવ્યા મુજબ પીએમ શાહીદ અબ્બાસીને કેનેડી એરપોર્ટ પર સામાન્ય નાગરિકની જેમ સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડ્યું છે. ઉપરાંત વીડિયોમાં એમ પણ બતાવવામાં આવ્યું છે કે, શાહીદ અબ્બાસીનું સામાન્ય નાગરિકની જેમ કપડાં ઉતારીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ટ્રમ્પ પ્રશાશન પાકિસ્તાન પર વીઝા પ્રતિબંધ અંગે વિચાર કરી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનના પીએમ તેમની બીમાર બહેનને મળવા અમેરિકા ગયા હતા. દરમિયાન તેમની મુલાકાત અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ સાથે પણ થઇ હતી.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલે જણાવ્યું કે, વડાપ્રધાન પાસે ડિપ્લોમેટિક પાસપોર્ટ હોય છે. જેથી ખાનગી મુલાકાત જેવી કોઈ વાત હોતી નથી. તેઓ 22 કરોડ પાકિસ્તાનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે જાણકારોનું માનીએ તો, આતંકવાદને આશરો આપવાના મામલામાં ટ્રમ્પ પ્રશાશન પાકિસ્તાન પર આકરી નીતિ અમલમાં મુકવામાં કોઈ કસર બાકી નથી છોડી રહ્યાં. જેના ભાગરુપે જ પાકિસ્તાનના પીએમનું કપડાં ઉતારીને ચેકિંગ કરવામાં આવ્યું હોઈ શકે છે.