ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે આગામી સપ્તાહે ચર્ચા કરશે USCIRF

0
651

વોશિગ્ટન-  આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનના તથ્યો અને પરિસ્થિતિની સમીક્ષા કરી રહેલા યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ કમિશન આગામી સપ્તાહે ભારતમાં ધર્મ અથવા આસ્થાની સ્વતંત્રતા પર ચર્ચા કરશે. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર યુએસ કમિશન (USCIRF)ના પ્રમુખ ટેન્ઝિન દોરજી એ કહ્યું કે, ‘ભારતમાં ધર્મ અથવા આસ્થાની સ્વતંત્રતા:  અમેરિકાની નીતિ માટે ઉભરતા પડકારો અને તકો’ વિષય પર 12 ડિસેમ્બરે ચર્ચા થશે.

આ સુનાવણીમાં ધાર્મિક સ્વતંત્રતાના પડકારોનું પરીક્ષણ કરવામાં આવશે અને ભારતમાં ધર્મ અથવા આસ્થાની આઝાદીની જાળવણીને પ્રોત્સાહિત કરવા માટે અમેરિકન સાંસદો માટે તકો અન્વેષણ કરાશે.

USCIRFની 1998માં સ્થાપના કરવામાં આવી હતી, આ એક સ્વતંત્ર, દ્વિપક્ષી યુએસ ફેડરલ સરકારી આયોગ છે. આ આયોગ વિદેશોમાં ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનની સમિક્ષા કરે છે, અને અમેરિકાના પ્રમુખ, વિદેશપ્રધાન તેમજ કોંગ્રેસ માટે નીતિઓની ભલામણ કરે છે.

ભારત આ પહેલા USCIRFના રિપોર્ટને નકારી ચૂક્યું છે. અને આ મામલે કહ્યું છે કે, ભારતનું બંધારણ તમામ  નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો સહિત મૂળભૂત અધિકારોનો પણ બંધારણીય અધિકાર આપે છે. ભારતે અમે પણ કહ્યું છે કે, USCIRFને ભારતીય નાગરિકોના બંધારણ સંબંધિત અધિકારો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.