રશિયાને અમેરિકન નાગરિકોની પૂછપરછ કરવાની પરવાનગી નહીં આપે ટ્રમ્પ પ્રશાસન: પોમ્પિયો

0
1015

વોશિંગ્ટન- અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પેમ્પિયોએ જણાવ્યું કે, ટ્રમ્પ પ્રશાસન રશિયાને કોઈ પણ અમેરિકન નાગરિકની પૂછપરછ કરવાની પરવાનગી આપશે નહીં. વધુમાં પોમ્પિયોએ એ વાતને પણ નકારી કાઢી કે, વર્ષ 2016માં અમેરિકાની પ્રેસિડેન્ટની ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપની તપાસ કરવા માટે અમેરિકા રશિયાના કોઈ અનુરોધનો સ્વીકાર કરશે.મહત્વનું છે કે, રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને હેલસિન્કીમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરવા દરમિયાન એવી દરખાસ્ત કરી હતી કે, જો અમેરિકા તેના કેટલાક લોકોની પૂછપરછ કરવાની પરવાનગી રશિયાને આપે તો, આ પરિસ્થિતિમાં રોબર્ટ મુલરની ટીમ મામલામાં આરોપી બનાવવામાં આવેલા 12 રશિયના એજન્ટો સાથે વાતચીત કરવા આવી શકે છે.

આપને જણાવી દઈએ કે, રશિયા અમેરિકાના જે અધિકારીઓની પૂછપરછ કરવા ઈચ્છે છે તેમાં જાન્યુઆરી 2012થી ફેબ્રુઆરી 2014 સુધી રશિયામાં અમેરિકાના રાજદૂત રહેલા મિચેલ મેક્ફોલ અને રશિયા વિરુદ્ધ નવા પ્રતિબંધોને લઈને અમેરિકન સરકાર માટે લોબિંગ કરનારા રોકાણકાર બિલ બ્રોડરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રશિયાના પ્રેસિડેન્ટ પુતિન દ્વારા ઉપરોક્ત પ્રસ્તાવ રજૂ કરાયા બાદથી જ અમેરિકામાં આને લઈને ઉગ્ર ચર્ચા ચાલી રહી છે.