આતંકવાદ પર કાબૂ નહીં મેળવે તો પાકિસ્તાને તેની મોટી કીમત ચૂકવવી પડશેઃ ટ્રમ્પ

વોશિંગ્ટન- અમેરિકાએ આતંકવાદને આશ્રય આપવાના મામલે ફરી એકવાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે જણાવ્યું કે, પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને પોતાની જમીન ઉપરથી તાલિબાન સહિત અન્ય આતંકી સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલી આતંકી પ્રવૃત્તિ પર રોક લગાવવા ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, જો પાકિસ્તાન પોતાની જમીન ઉપર થઈ રહેલા આતંકવાદ પર કાબૂ નહીં મેળવે તો પાકિસ્તાને તેની મોટી કિંમત ચુકવવી પડશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સનું આ નિવેદન તેમની અફઘાનિસ્તાન યાત્રા દરમિયાન સામે આવ્યું છે. આંતરિક લડાઈથી ત્રસ્ત અફઘાનિસ્તાનની પરિસ્થિતિનો તાગ મેળવવા ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ હાલમાં અફઘાનિસ્તાનની યાત્રા પર છે. પેન્સે તેમની આ યાત્રા દરમિયાન અફઘાનિસ્તાનના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની દક્ષિણ એશિયા અંગેની નવી નીતિથી માહિતગાર કર્યા હતા.

આ પહેલા પણ ઓગસ્ટ-2017માં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે  તેમની દક્ષિણ એશિયા અંગેની નીતિની જાહેરાત કરતી વખતે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની વાતનો પોતાનો સંકલ્પ દોહરાવ્યો હતો અને પાકિસ્તાન દ્વારા આતંકવાદ પર કાબુ મેળવવા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવા માટે પાકિસ્તાનની કડક આલોચના કરવામાં આવી હતી.