કશ્મીર મુદ્દે અમેરિકાએ ત્રીજા પક્ષની ભૂમિકાને નકારી કાઢી

વોશિંગ્ટન- ટ્રમ્પ વહીવટી તંત્રએ કશ્મીર વિવાદને ઉકેલવામાં ત્રીજા પક્ષની ભૂમિકાને ફરી એકવાર ફગાવી દીધી છે. અને જણાવ્યું છે કે, આ મુદ્દે કોઈ પણ ચર્ચાનું નિર્માણ ભારત અને પાકિસ્તાન દ્વારા નક્કી કરવામાં આવે. ટ્રમ્પ પ્રશાસને આ પ્રતિક્રિયા ભારતમાં ચીનના રાજદૂતે શાંઘાઈ સહયોગ સંગઠનમાં (SCO) આપેલા તેમના સુજાવ બાદ વ્યક્ત કરવામાં આવી છે. ચીનના રાજદૂતે જણાવ્યું હતું કે, ભારત-ચીન અને પાકિસ્તાન વચ્ચે કશ્મીર સમસ્યાને લઈને ત્રિપક્ષીય સહયોગ કરવો જોઈએ.અમેરિકાના વિદેશ વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘કશ્મીર મુદ્દે અમારી નીતિ બદલાઈ નથી. અમે માનીએ છીએ કશ્મીર મુદ્દે કોઈપણ ચર્ચાની ગતિ, ચર્ચાની શક્યતા અને તેનો સમય ભારત અને પાકિસ્તાને સાથે મળીને નક્કી કરવાનો છે, તેમાં ત્રીજા પક્ષની ભૂમિકાને કોઈ અવકાશ નથી’.

ભારતમાં ચીનના રાજદૂત જોહુઈએ ગતરોજ અનોપચારિક રીતે SCOથી અલગ એવી સમિટની વાત કરી હતી જેમાં ભારત-ચીન ઉપરાંત પાકિસ્તાન પણ સામેલ હોય. જોહુઈએ કહ્યું કે, એનાથી નવી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સુધારવા અને શાંતિ જાળવી રાખવામાં મદદ મળશે. જોકે ચીનના રાજદૂતના નિવેદનથી ખુદ ચીન પ્રશાસન સહમત જોવા મળ્યું નહતું.