શું વેનેઝુએલા પર કબજો કરી પ્રભુત્વ મેળવવા ઈચ્છતા હતાં ટ્રમ્પ?

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા મુદ્દે યોજવામાં આવેલી એક બેઠકમાં તેમના ટોચના અધિકારીઓને એક સવાલ પુછી સૌને આશ્ચર્યમાં મુકી દીધાં હતાં. ટ્રમ્પે તેના અધિકારીઓને જણાવ્યું કે, અમેરિકા વેનેઝુએલા પર કબજો કેમ નથી કરી લેતું? આ બેઠક ઓવલ ઓફિસમાં યોજવામાં આવી હતી. જેમાં વેનેઝુએલા પર પ્રતિબંધિને લઈને ચર્ચા કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ બેઠકની જાણકારી રાખનારા એક વરિષ્ઠ અધિકારીએ આ અંગેની ગોપનિય વાતની માહિતી આપી હતી. અધિકારીએ કહ્યું કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પે બેઠકના અંતમાં પોતાના ટોચના અધિકારીઓને જણાવ્યું કે, ક્ષેત્રીય સુરક્ષાને જોખમરુપ સાબિત થનારા વેનેઝુએલા સાથે જો કોઈ સમાધાન શક્ય નથી તો અમેરિકા આ અશાંત સ્થિતિવાળા દેશ પર કબજો કેમ નથી કરી લેતું?

ડોનાલ્ડ ટ્રમ્પના આ સૂચન બાદ અમેરિકાના તત્કાલિન વિદેશપ્રધાન રેક્સ ટિલરસન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એચ.આર. મેકમાસ્ટર સહિત બેઠકમાં હાજર અન્ય અધિકારીઓને પણ આશ્ચર્ય થયું હતું. અધિકારીઓએ પ્રેસિડેન્ટ ટ્રમ્પને આ વિચાર છોડી દેવા વારંવાર સૂચન કર્યું હતું. જોકે લાંબા સમય સુધી ટ્રમ્પના મનમાં આ વિચાર ઉઠતો રહ્યો હતો.

બેઠકના બીજા દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા સામે લશ્કરી કાર્યવાહીની પણ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, ત્યાંની પરિસ્થિતિ અત્યંત જોખમી છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ વેનેઝુએલાના પ્રેસિડેન્ટ નિકોલસ માદુરોને સરમુખત્યાર ગણાવ્યા અને તેમની અને અન્ય પૂર્વ તેમજ વર્તમાન અનેક અધિકારીઓ સામે પ્રતિબંધિત કાર્યવાહી કરી હતી. વધુમાં ટ્રમ્પ પ્રશાસને માદુરો સરકાર પર વેનેઝુએલામાં માનવાધિકારના ઉલ્લંઘન અને લોકતંત્રને અસ્થિર કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.