ચીને નોર્થ કોરિયાને કરી તેલ સપ્લાઈ, ટ્રમ્પે કહ્યું ‘રંગે હાથ પકડાયું ચીન’

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયા સાથેના વિવાદને લઈને ચીન પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને ચીન પર પ્રહાર કરતાં જણાવ્યું કે, નોર્થ કોરિયાને ચીન દ્વારા તેલની સપ્લાઈ કરવાને લઈને તેઓ ખૂબ જ નિરાશ થયા છે. ટ્રમ્પે કહ્યું કે ચીન દ્વારા નોર્થ કોરિયાને તેલ સપ્લાઈથી પ્યોંગયાંગ સાથેના પરમાણુ કાર્યક્રમની શાંતિપૂર્ણ ચર્ચાને ઝાટકો લાગ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, નોર્થ કોરિયા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં ચીને તેને તેલ સપ્લાઈ કરતાં વૈશ્વિક સમુદાયમાં ચીન ‘રંગે હાથ પકડાયું’ છે. જે ઘણા ખેદની વાત છે કે ચીને ઉત્તર કોરિયાને તેલના પુરવઠાની મંજૂરી આપી છે. જો આ જ સ્થિતિ યથાવત રહેશે તો, ઉત્તર કોરિયાની સમસ્યાનો ક્યારેય પણ સુખદ અંત લાવી શકાશે નહીં.

આ પહેલાં ચીને જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર તરફથી નોર્થ કોરિયાને તેલ વેચવા અંગે કોઈ પ્રકારનો પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો નથી. આ અગાઉ દક્ષિણ કોરિયાના એક અખબારે પોતાના અહેવાલમાં ચીન અને ઉત્તર કોરિયાના જહાજો પર ગેરકાયદે તેલની ખરીદી કર્યાનો આરોપ લગાવ્યો હતો.