ગ્રીન કાર્ડ્સ ઈસ્યૂ કરવા પર 7%ની ટોચમર્યાદા દૂર કરતો ખરડો અમેરિકી સંસદસભ્યોએ પાસ કર્યો

વોશિંગ્ટન – અમેરિકાના સંસદસભ્યોએ વસાહતી લોકોને અમેરિકામાં ગ્રીન કાર્ડ ઈસ્યૂ કરવા માટે પ્રત્યેક દેશ દીઠ નક્કી કરેલી સાત-ટકાની ટોચમર્યાદાને ઉઠાવી લેતા ખરડાને બુધવારે મંજૂરી આપી દીધી છે. અમેરિકાની પ્રતિનિધિ સભાએ લીધેલા આ નિર્ણયને લીધે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રના કૌશલ્યવાન એવા હજારો ભારતીય વ્યાવસાયિકોને લાભ થશે.

ગ્રીન કાર્ડ ધારક વ્યક્તિને અમેરિકામાં કાયમ માટે વસવાટ કરવા અને કામ-ધંધો કરવાની છૂટ મળે છે.

નવા ખરડામાં પ્રત્યેક દેશ દીઠ સાત ટકાની લિમિટને વધારીને 15 ટકા કરવામાં આવી છે.

President Obama delivers his State of the Union address before a joint session of Congress on Tuesday.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન સંસ્થાએ ખરડો પાસ કરવાના અમેરિકી સાંસદોના નિર્ણયને આવકાર આપ્યો છે. સંસ્થાનાં જય કંસારાએ કહ્યું છે કે હવે અમેરિકી સેનેટે કાયદો લાગુ કરવાનો છે. જેથી અમેરિકી અર્થતંત્રના વિકાસ માટે સંપૂર્ણ સ્તરના પ્રદાનકારી બનવાની તકની દાયકાઓથી રાહ જોતા કૌશલ્યવાન ઈમિગ્રન્ટ્સને હાડમારીનો અંત આવે.

ફેરનેસ ઓફ હાઈ-સ્કિલ્ડ ઈમિગ્રન્ટ્સ એક્ટ, 2019 અથવા HR 1044 નામના આ ખરડાને 435 સભ્યોની પ્રતિનિધિ સભાએ 365-65 મતથી પાસ કર્યો હતો.

હાલની પદ્ધતિ હેઠળ કોઈ ચોક્કસ વર્ષમાં અમેરિકા તરફથી આપવામાં આવનાર ફેમિલી-બેઝ્ડ ઈમિગ્રન્ટ વિઝાની કુલ સંખ્યામાંથી દરેક દેશના વધુમાં વધુ સાત ટકા લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે.

આ ખરડામાં આ ઉપરાંત નોકરી-આધારિત ઈમિગ્રન્ટ વિઝા ઉપર દેશદીઠ સાત ટકાની ટોચમર્યાદા પણ દૂર કરવાની જોગવાઈ છે.

હવે આ ખરડાને સેનેટની મંજૂરી મળે એ જરૂરી રહેશે જ્યાં રીપબ્લિકન પાર્ટીની બહુમતી છે. આખરે યુએસ પ્રમુખ સહી કરે તે પછી આ કાયદો અમલમાં આવશે.

કેલિફોર્નિયામાં સિલિકોન વેલી, વોશિંગ્ટન રાજ્યમાં સીએટલ વિસ્તાર, વોશિંગ્ટન ડીસી તેમજ ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કનેક્ટિકટ સહિત અમેરિકાભરમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સે આ ખરડાને મંજૂરી આપવાના નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી છે.

જોકે અમેરિકાના ગૃહ મંત્રાલયે આ ખરડાને ટેકો આપ્યો નથી.