ટ્રમ્પ સરકારનું શટડાઉન: ક્રિસ્મસના ટાણે જ 8 લાખ કર્મચારીઓને નહીં મળે પગાર

વોશિગ્ટન- મેક્સિકોની સરહદ પર દીવાલ બનાવવા માટે ભંડોળ ફાળવવાની અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માગણી અને સંઘીય ખર્ચ ખરડાને પસાર કર્યા વિના જ અમેરિકી સંસદ મોકૂફ કરવાના કારણે અમેરિકન સરકારે ક્રિસમસના સમયમાં જ શનિવારથી શટડાઉનની જાહેરાત કરી દીધી હતી. વ્હાઇટ હાઉસના અધિકારીઓ અને બંને પાર્ટીના સાંસદો વચ્ચે કેપિટોલ હિલ ખાતે લંબાણપૂર્વકની ચર્ચાઓ મધ્યે મધરાતથી જ ટ્રમ્પ સરકારના મહત્ત્વના વિભાગોની કામગીરી સ્થગિત થઈ ગઈ હતી.

મેક્સિકો સાથેની સરહદ પર દીવાલનાં નિર્માણ માટે પાંચ અબજ ડોલરની ફાળવણી કરવાની માગનો ડેમોક્રેટ સાંસદો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, તે ઉપરાંત બાર વાગ્યાથી અમેરિકી સરકારની ડઝનો એજન્સીઓને ખર્ચ માટે મળતું ભંડોળ બંધ થઈ ગયું છે, તેથી હવે અમેરિકી સરકારની કામગીરી કેટલા સમય માટે સ્થગિત રહેશે તે કહી શકાય નહીં, પરંતુ ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે આ શટડાઉનનો વહેલી તકે ઉકેલ આવી જશે.

અમેરિકી સરકારનાં શટડાઉનને કારણે 8 લાખ કર્મચારીઓએ કાં તો પગાર વગર કામ કરવું પડશે અથવા તો કપાત પગારે રજા પર ઉતારી દેવામાં આવ્યાં છે. 4 લાખ સરકારી કર્મચારીઓને કપાત પગારે કામ કરવાની ફરજ પડી છે જ્યારે 3.8 લાખ કર્મચારીઓને રજા પર ઉતારી દેવાયા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ શટડાઉન માટે જવાબદાર ડેમોક્રેટ છે. અમે લાંબા શટડાઉન માટે તૈયારી કરી લીધી છે. અમેરિકી સાંસદ કેથલિન રાઇસે આરોપ મૂક્યો હતો કે, સંસદે ફંડિંગ બિલ પાસ કરવાને બદલે દેશને બાનમાં લેવાનું પસંદ કર્યું છે.

અમેરિકામાં સરકારી કામગીરીમાં શટડાઉન નવાઈની વાત નથી. જિમી કાર્ટર પ્રમુખ હતાં ત્યારે દર વર્ષે 11-11 દિવસનાં શટડાઉનની નોબત આવતી હતી. રિગનના કાર્યકાળમાં 6 વાર શટડાઉન થયું હતું. 2018નાં વર્ષમાં અમેરિકામાં આ ત્રીજી વાર શટડાઉનની નોબત આવી છે. 2013માં 16 દિવસ સરકારી વિભાગોની કામગીરી સ્થગિત થઈ ગઈ હતી.