સીરિયા પર US, ફ્રાંસ, બ્રિટનનો મિસાઈલ એટેક, રશિયાએ કહ્યું પુતિનનું અપમાન સહન નહીં

વોશિંગ્ટન- ગૃહયુદ્ધની આગમાં સળગી રહેલા સીરિયા પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. સીરિયા પર કેમિકલ હુમલાના જવાબમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મિલાઈલ હુમલાનો આદેશ આપ્યો છે. સીરિયા સામેની આ મોટી સૈન્ય કાર્યવાહીમાં ફ્રાંસ અને બ્રિટને પણ અમેરિકાનો સહયોગ કર્યો છે. સીરિયા પર મિસાઈલ હુમલા બાદ સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘સારી આત્માઓને દબાવી શકાય નહીં’.સીરિયા ઉપર અમેરિકા અને તેના સહયોગી દેશના મિસાઈલ હુમલાથી રશિયા ભડક્યું છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને કહ્યું કે, અપમાન સહન કરાશે નહીં. મળતી માહિતી પ્રમાણે રશિયાના એક રાજદૂતે ચેતવણી ઉચ્ચારતાં જણાવ્યું કે, સીરિયા પર હુમલા બાદ અમેરિકા હવે પરિણામ ભોગવવા તૈયાર રહે.

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, બ્રિટન અને ફ્રાંસના સહયોગથી અમેરિકાએ સીરિયા પર મિસાઈલ હુમલો કર્યો છે. અને આ પ્રકારની સૈન્ય કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહી શકે છે. ટ્રમ્પે રશિયાને ચેતવણી આપતા કહ્યું કે, આ હુમલો સીરિયાના રાષ્ટ્રપતિ અસદને રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરતાં રોકવા માટે કરવામાં આવ્યો છે. સીરિયામાં કરવામાં રાસાયણિક હુમલો રશિયાની નિષ્ફળતાનું પરિણામ છે.