ટ્રમ્પ વિરૂદ્ધ વિદ્રોહઃ પનામા રાજદૂતે રાજીનામું આપી કહ્યું નહીં કરું તમારી નોકરી

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ટ્રમ્પ વિરૂદ્ધ તેમની સાથે કામ કરી રહેલા એક રાજદૂતે જ વિરોધનું બ્યૂગલ ફૂંકતાં રાજીનામું ધરી દીધું છે. પનામામાં અમેરિકાના રાજદૂત જોન ફીલીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ડોનાલ્ડ ટ્રંપ સાથે કામ કરવામાં અસમર્થ છે.

 

જોન નૌસેનામાં કામ પણ કરી ચૂક્યાં છે. જોનના આ પ્રકારના નિવેદનને લઇ ટ્રમ્પ સરકાર પણ અચંબામાં પડી ગઈ છે. જોન 2016થી પનામાના રાજદૂતનું પદ સંભાળી રહ્યાં છે. મહત્વનું છે કે ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળ્યા બાદ કેટલાય દેશોના રાજદૂતોને બદલી નાંખ્યા છે. જોને પોતાના નિવેદનમાં ટ્રમ્પ સરકારની નીતિઓ પ્રત્યે અસહમતિ દર્શાવી છે. તો બીજીતરફ અમેરિકી સરકારે જાહેર કરેલા નિવેદનમાં આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

જોન ફીલી 9 માર્ચના રોજ રીટાયર થવાના હતાં પરંતુ તેના એક દોઢ મહિના પહેલાં જ તેમનું રાજીનામું આપવું ખૂબ જ ચોકાવનારી બાબત છે. ફીલીએ પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે વિદેશી સેવાના એક અધિકારી તરીકે મેં રાષ્ટ્રપ્રમુખ અને તેમની સરકારની સેવા કરવાના શપથ લીધાં હતાં. પછી ભલે હું તેમની ખાસ નીતિઓ સાથે સહમત હોઉં કે ન હોઉં. મને સ્પષ્ટતાપૂર્વક કહેવામાં આવ્યું હતું કે હું જો તેમની કોઈ નીતિ સાથે સહમત ન હોઉં તો હું મારું રાજીનામું આપી શકું છું. હવે સમય આવી ગયો છે. તો બીજીતરફ અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ જોન ફીલીના રાજીનામા મુદ્દે સ્પષ્ટતા કરી દીધી છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું કે જોને વ્હાઈટ હાઉસ, વિદેશ વિભાગ અને પનામા સરકારને પોતાના રાજીનામાં અંગે સૂચના આપી દીધી છે.