ભારતને ટુંક સમયમાં જ મળશે 24 હેલિકોપ્ટર ‘રોમિયો’

નવી દિલ્હી– દુશ્મનોને સરળતાથી ટાર્ગેટ કરી શકે તેવા બે ડઝન જેટલા નવા ઘાતક હેલિકોપ્ટર ટુંક સમયમાં જ ભારત પાસે હશે. અમેરિકાએ 24 MH 60 રોમિયો સીહોક હેલિકોપ્ટરના વેચાણને મંજૂરી આપા દીધી છે. આ ઘાતક હેલિકોપ્ટરથી મિસાઈલ પણ ફાયર કરી શકાય છે.

રોમિયો હેલિકોપ્ટરને ખાસ કરીને સમુદ્રી મિશન માટે બનાવવામાં આવ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, 2.4 અબજ ડોલરની અંદાજીત કિંમત પર ભારતને આ હેલિકોપ્ટર સોંપવામાં આવશે. લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત આ હેલિકોપ્ટર સબમરીન અને જહાજો પર ચોક્કસ નિશાન તાકવામાં સક્ષમ હોવાની સાથે સમુદ્રમાં શોધખોળ અને રાહત કામગીરી કરવામાં પણ ઉપયોગી છે.

ટ્રમ્પ પ્રશાસને કોંગ્રેસમાં જાહેરાત કરી કે તેમણે 24 MH 60R રોમિયો હેલિકોપ્ટરના વેચાણની મંજૂરી આપી દીધી છે. આ હેલિકોપ્ટર ભારતીય સુરક્ષા દળોને એન્ટી સબમરીન યુદ્ધ મિશનને સફળતા પૂર્વક અંજામ આપવામાં સક્ષણ બનાવશે.

અમેરિકાએ કહ્યું કે, આ હેલિકોપ્ટરોની અંદાજીત કિંમત 2.4 અબજ ડોલર હશે. આ હેલિકોપ્ટરના વેચાણથી એ સંરક્ષણ ભાગીદારીની સુરક્ષા સ્થિતિ સુધરશે જે, હિંદ,પ્રશાંત અને દક્ષિણ એશિયા ક્ષેત્રમાં રાજનીતિક સ્થિરતા અને આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ કારણ રહ્યું છે.

સુરક્ષા ક્ષમતામાં વધારો થવાથી ક્ષેત્રીય ખતરાઓ સામે લડવામાં ભારતને મદદ મળશે અને આંતરીક સુરક્ષા મજબૂત બનશે. ભારતને આ હેલિકોપ્ટરને તેના સશસ્ત્ર દળોમાં સમાવેશ કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.

હેલિકોપ્ટરોને વિશ્વના સૌથી અત્યાધુનિક સમુદ્રી હેલિકોપ્ટર માનવામાં આવી રહ્યું છે. આ હેલિકોપ્ટર ભારતીય નૌકાદળની ટાર્ગેટ ક્ષમતાઓને વધારશે. નિષ્ણાંતોના મતે હિંદ મહાસાગરમાં ચીનના આક્રમક વ્યવહારને ધ્યાનમાં રાખતા ભારત માટે આ હેલિકોપ્ટર ખુબજ જરૂરી છે.