મુસ્લિમ વિરોધી વીડિયો રિટ્વીટ કરવા પર બ્રિટનના PM પર ઉશ્કેરાયા ટ્રમ્પ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેને સલાહ આપતાં જણાવ્યું છે કે, તેમણે બ્રિટનમાં વધી રહેલા આંતકવાદ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરુર છે. આપને જણાવી દઈએ કે, થેરેસા મેએ આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્વીટ કરવામાં આવેલા મુસ્લિમ વિરોધી ત્રણ વીડિયો બદલ તેમની ટીકા કરી હતી.ત્યારબાદ ટ્રમ્પે ટ્વીટ કરતાં જણાવ્યું કે, મારા પર ધ્યાન આપવાને બદલે તમે બ્રિટનમાં વધી રહેલા ઈસ્લામી કટ્ટરપંથી આતંકવાદ તરફ ધ્યાન આપો. અમે અમારા ક્ષેત્રમાં યોગ્ય કામ કરી રહ્યાં છીએ.

આપને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે આ અગાઉ બ્રિટનના આતંકવાદી જૂથના ત્રણ વીડિયો શેર કર્યા હતાં. બ્રિટનના પીએમ થેરેસા મેના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે, પ્રેસિડેન્ટ ટ્રમ્પે આ ખોટું કર્યું છે. અમેરિકા અને બ્રિટન એકબીજાના નજીકના સહયોગી છે અને બંને વચ્ચેના સંબંધો વિશેષ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રેસિડેન્ટ ટ્રમ્પે શેર કરેલા વીડિયો બ્રિટિશ નેશનલ પાર્ટીના પૂર્વ કાર્યકરોના જૂથ બ્રિટન ફર્સ્ટના ઉપનેતા જેદા ફ્રેનસને અગાઉ પોસ્ટ કર્યા હતાં.