ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ-ઉન સાથેની શિખર બેઠક રદ કરી

વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉન સાથેની શિખર બેઠક રદ કરી દીધી છે. આ બેઠક આવતી 12 જૂને અને સિંગાપોરમાં યોજાવાની હતી. આ બેઠકની સમગ્ર દુનિયા આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી, કારણ એનાથી વિશ્વમાં શાંતિ સ્થપવાની આશા જાગી હતી.

ટ્રમ્પે કિમ જોંગ-ઉનને જાણ કરી દીધી છે કે પોતે એમની વચ્ચેની શિખર બેઠકને રદ કરી દીધી છે.

આજની તારીખ સાથેના પત્રમાં યુએસ પ્રમુખે જણાવ્યું છે કે તમારા તાજેતરના નિવેદનમાં અત્યંત રોષ અને ખુલ્લી શત્રુતા જોવા મળી હોવાને લીધે હું શિખર બેઠકમાં હાજર રહી શકીશ નહીં.

આ પત્ર વ્હાઈટ હાઉસે રિલીઝ કર્યો છે.

ટ્રમ્પનો ઈશારો ઉત્તર કોરિયાના એક અધિકારીએ તાજેતરમાં કરેલી કમેન્ટ્સ તરફનો છે, જેમાં એ અધિકારીએ અમેરિકાના ઉપપ્રમુખ માઈક પેન્સને અજ્ઞાની અને મૂરખ કહ્યા હતા.

આ શિખર બેઠકને આ મહિને અગાઉ જ ધક્કો પહોંચ્યો હતો જ્યારે ઉત્તર કોરિયાએ અમેરિકાની એ માગણી સામે વાંધો ઉઠાવ્યો હતો કે ઉત્તર કોરિયા પોતાના અણુ બોમ્બ અને બેલિસ્ટિક મિસાઈલો એકતરફી રીતે નાશ કરી દે.