પાક સરકારનું મૂલ્યાંકન: ભારત સાથે હવે વધુ તણાવની આશંકા ખત્મ

ઇસ્લામાબાદ- પાકિસ્તાન સરકારનું આંતરિક મૂલ્યાંકન એ નિષ્કર્ષ પર આવ્યું છે કે પુલવામા આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ તણાવ થવાનું જોખમ સમાપ્ત થઈ ગયું છે. પાકિસ્તાની અખબારના અહેવાલ અનુસાર, બંને પાડોશી દેશોની વચ્ચે સંબંધોની વર્તમાન સ્થિતિ પર ડિટેઈલમાં વિગતો આપવા દરમિયાન એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે આ મૂલ્યાંકન આપ્યું હતું.

અધિકારીએ કહ્યું, તણાવમાં સ્પષ્ટ રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે. કશ્મીરના પુલવામા જિલ્લામાં, 14 ફેબ્રુઆરીએ, આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદ દ્વારા કરેલા હુમલામાં  40 સીઆરપીએફ જવાનો શહીદ થયાં હતાં. આ બનાવ પછી, પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધ્યો હતો.

ભારતે પાકિસ્તાનને જવાબ આપવા 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જેશના સૌથી મોટા અડ્ડા પર હવાઈ હુમલો કર્યો હતો, પાકિસ્તાની વાયુસેનાએ પ્રતિક્રિયા આપતા મિગ -21 વિમાનોને તોડી પાડયુ અને ભારતીય પાયલોટને કબજે કર્યો જે 1 માર્ચના રોજ ભારતને સોંપવામાં આવ્યો હતો.

અધિકારીએ આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, ભારત તરફથી કોઈપણ પ્રકારની આક્રમક કાર્યવાહીનો અવકાશ નથી. મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે સરકારનું આ મૂલ્યાંકનને સ્પષ્ટ રીતે રાજદ્વારી પ્રયાસો સાથે સરખાવીને જોવામાં આવી રહ્યું છે, જેમાં ઘણા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પક્ષો સામેલ છે, જે બંન્ને દેશો વચ્ચે તણાવ ઓછો થતો જોવા માગે છે.