UAEમાં ભારતીય ફૂટબોલની ટીમના ચાહકોને પૂર્યા પાંજરામાં, વિડીયો થયો વાયરલ

યુએઈ–  હાલમાં ઈન્ટરનેટ પર એક વિડીયો ઘણો વાયરલ થયો છે જે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વિડીયો યુએઈ ઇન્ડિયા એશિયન કપ મેચની પહેલાનો છે જેમાં એક વ્યક્તિએ ભારતીય ફૂટબોલ ટીમના ચાહકોને પક્ષીના પીંજરામાં પૂરેલા જોઈ શકાય છે. એએફસી એશિયાઈ કપમાં રમી રહેલી ભારતીય ફુટબોલ ટીમનો સામનો એશિયાઈ કપની મેજબાની કરી રહેલી યુએઈની ટીમ સાથે ગત ગુરુવારના રોજ હતો.

જે વિડિયો વાયરલ થયો છે તે આ મેચ શરુ થયાં પહેલાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિડિયો વાયરલ થયાં બાદ અધિકારીઓએ કેટલાક જવાબદાર લોકોની ધરપકડ પણ કરી છે.

તમને જણાવી દઈએ કે, ગત ગુરુવારે અબુ ધાબીમાં રમાયેલી આ મેચમાં યુએઈએ ભારતને 2 0થી હરાવ્યું હતું. આ વિડિયોમાં પક્ષીઓના પાંજરામાં કેટલાક મજૂરોને કેદ કર્યા છે, અને એક વ્યક્તિ હાથમાં લાકડી લઈને બહાર બેઠો નજરે પડે છે.

ખલીઝ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર હાથમાં લાકડી લઈને બેઠેલો વ્યક્તિ મજૂરોને પુછી રહ્યો છે કે, તે કોનું સમર્થન કરે છે. સામે જવાબમા  મજૂરો કહી રહ્યાં છે કે તે ભારતનું સમર્થન કરે છે. જેના પર પહેલો વ્યક્તિ મજૂરોને કહે છે કે, આ ખોટુ કહેવાય તમે યુએઈમાં રહો છો તો તમારે યુએઈની ટીમને સમર્થન કરવું જોઈએ. પેલો વ્યક્તિ પાંજરા પર લાકડી પછાળીને મજૂરોને બીજી વખત પૂછે છે, તે કોનું સમર્થન કરે છે. આ વખતે ભારતીય મજૂરોનો જવાબ હોય છે યુએઈ. ત્યાર બાદ બહાર બેઠેલો માણસ પાંજરું ખોલીને મજૂરોને બહાર કાઢે છે.

યુએઈમાં આવા કિસ્સામાં ગુનેગારોને 6 મહિનાથી લઈને 10 વર્ષની સજા ઉપરાંત 50, હજારથી 20 લાખ દિરહમ (યુએઈ ચલણ) સુધીનો દંડ થઈ શકે છે. યુએઈના એટર્ની જનરલ ઓફિસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિડિયોમાં કથિત રીતે એક વ્યક્તિને બતાવામાં આવી રહ્યોં છે, જેણે પક્ષિઓને પુરવાના પાંજરામાં કેટલાક ભારતીય મૂળના મજૂરોને કેદ કરીને રાખ્યા છે.

તો બીજી તરફ આ વિડિયોને યૂટ્યુબ પર અપલોડ કરનાર વ્યક્તિનું કહેવું છે કે, તેમણે માત્ર મજાક ખાતર આ વિડિયો અપલોડ કર્યો હતો. તેમણે લોકોને તેમની ભાવના સમજવાની અપીલ કરતા કહ્યું કે, આ તમામ લોકો મારા કર્મચારી છે. તેમાના એક વ્યક્તિને હું 22 વર્ષથી ઓળખુ છું. હું આ ફાર્મમાં આ લોકો સાથે રહું છું, અમે એક સાથે એક જ થાળીમાં ખાઈએ છીએ. મે આ લોકોને માર્યા નથી, ન તો વાસ્તવમાં કોઈને કેદ કર્યાં છે.