તેલંગણાના સોફ્ટવેર એન્જિનીયરની અમેરિકાના કેન્સાસની રેસ્ટોરન્ટમાં હત્યા

કેન્સાસ સિટી – તેલંગણાના 26 વર્ષીય આઈટી વિદ્યાર્થીને એક શકમંદ લૂંટારાએ મિસુરી રાજ્યના કેન્સાસ સિટીની એક રેસ્ટોરન્ટમાં ઠાર માર્યાની ઘટના બની છે.

શરત કોપ્પુ નામનો તે વિદ્યાર્થી મિસુરી-કેન્સાસ સિટીની યુનિવર્સિટીમાં માસ્ટર્સ ડિગ્રીનું ભણતો હતો. ગયા શુક્રવારે સાંજે જેઝ ફિશ એન્ડ ચિકન માર્કેટ રેસ્ટોરન્ટ ખાતે એને ઠાર મારવામાં આવ્યો હતો. ત્યાં એ પાર્ટ-ટાઈમ કર્મચારી તરીકે કામ કરતો હતો.

કેન્સાસ સિટી પોલીસે ગોળીબાર થયો એ પહેલાંની ક્ષણોમાં રેસ્ટોરન્ટની અંદર શું બન્યું હતું એ દર્શાવતો એક ટૂંકો વિડિયો રિલીઝ કર્યો છે. હુમલાખોરને ઓળકી કાઢવા માટે પોલીસે લોકોની સહાય માગી છે.

શકમંદે એની બંદૂક કાઢીને કોપ્પુને એના માથાના પાછળના ભાગમાં ગોળી મારી હતી. કોપ્પુને હોસ્પિટલમાં લઈ જવામાં આવતો હતો ત્યારે રસ્તામાં એ મૃત્યુ પામ્યો હતો.

કોપ્પુ ગયા જાન્યુઆરીમાં અમેરિકા આવ્યો હતો અને તે સોફ્ટવેર એન્જિનીયર હતો.

કોપ્પુના મૃતદેહને લાવવાની સરકાર વ્યવસ્થા કરશે

દરમિયાન, હૈદરાબાદથી મળેલા સંદેશા મુજબ, તેલંગણા સરકારે શરત કોપ્પુના મૃતદેહને અમેરિકાથી અત્રે લાવવાની વ્યવસ્થા કરી છે.

તેલંગણાના બિનનિવાસી ભારતીયો (NRI)ને લગતી બાબતોનાં પ્રધાન કે.ટી. રામારાવે આ જાણકારી આપી હતી. તેઓ એમના સાથી પ્રધાનોની સાથે આજે હૈદરાબાદમાં કોપ્પુના નિવાસસ્થાને ગયા હતા અને એમના પરિવારજનોને મળી એમને દિલાસો આપ્યો હતો.

સુષમા સ્વરાજે હત્યાને વખોડી કાઢી

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે શરત કોપ્પુના પરિવાર પ્રતિ શોક વ્યક્ત કર્યો છે. એમણે ટ્વીટ કરીને કહ્યું કે સદ્દગતના પરિવાર પ્રતિ હું મારો હૃદયપૂર્વકનો શોક પ્રગટ કરું છું. અમે આ મામલે પોલીસ સાથે ચર્ચા કરીશું અને પરિવારને તમામ મદદ પૂરી પાડીશું.