તાલિબાને કર્યો ગજની શહેર પર કબજો મેળવવા પ્રયાસ, 100 પોલીસકર્મીના મોત

અફઘાનિસ્તાન- તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાનના શહેર ગજની પર કબજો મેળવવા પ્રયાસ કર્યો હતો. તાલિબાની આતંકીઓને અટકાવવાના પ્રયાસમાં 100 અફઘાન પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આ ઘર્ષણમાં 20 નાગરિકોના પણ મોત થયા હતા. મળતી માહિતી મુજબ આ સંઘર્ષ ચાલુ છે અને અફઘાન સુરક્ષા દળો તાલિબાની આતંકીઓને સતત પાછળ ધકેલી રહ્યાં છે.અફઘાન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનના ગજની પ્રાંતની રાજધાની અને દક્ષિણી શહેર ગજનીમાં તાલિબાની આતંકીઓ ઘૂસવનાનો સતત પ્રયાસ કરી રહ્યાં છે. જેનો ઉદ્દેશ ગજની શહેર પર કબજો કરવાનો છે. જો કે, અફઘાનિસ્તાનના સુરક્ષા દળ તાલિબાની આતંકીઓને તેમના ઉદ્દેશ્યમાં સફળ થવા દેશે નહીં. અફઘાન મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર હાલમાં ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 100 પોલીસ જવાનો અને 20 નાગરિકોના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ તાલિબાની આતંકીઓએ હેરાતના ઓબે જિલ્લાના રહેણાંક વિસ્તારમાં અનેક દુકાનોમાં આગ લગાવી હતી. અફઘાન પોલીસ દ્વારા આ ઘટનાનો જવાબ અપાયા બાદ બચી ગયેલા તાલિબાનીઓને શોધવા પોલીસે ઘરે-ઘરે જઈને તલાશી ઝુંબેશ શરુ કરી હતી. એ અંગેની તપાસ કરવામાં આવી રહી છે કે, તાલિબાની બળવાખોર હુમલાખોરો શહેરમાં આટલા અંદર સુધી પહોંચવામાં સફળ કેવી રીતે થયા.