ઈદ પર શાંતિ જાળવશે તાલિબાન, ત્રણ દિવસના યુદ્ધવિરામનું કર્યું એલાન

કાબુલ- અફઘાનિસ્તાનમાં આતંકી સંગઠન તાલિબાને આગામી દિવસોમાં ઈદના તહેવારને લઈને ત્રણ દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. જોકે આ યુદ્ધવિરામ માત્ર અફઘાની સૈનિકો પુરતો મર્યાદિત રાખવામાં આવ્યો છે. વિદેશી સુરક્ષાદળો સામેની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ આતંકી સંગઠન તાલિબાન તરફથી જણાવવામાં આવ્યું છે.આપને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાન સરકાર દ્વારા રમજાન મહિનામાં એક સપ્તાહના લાંબા સંઘર્ષ વિરામની જાહેરાત કરાયાના બે દિવસ બાદ આતંકી સંગઠન તાલિબાને મીડિયામાં એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, તે ઈદના અવસરે ત્રણ દિવસ સંઘર્ષવિરામ રાખવા પર સહમત છે. જો કે તાલિબાન તરફથી જણાવવામાં આવ્યું છે કે, જો તેમના ઉપર હુમલો કરવામાં આવશે તો તે પોતાનો બચાવ મજબૂતી સાથે કરશે.

એક સંદેશમાં તાલિબાન તરફથી જણાવવામાં આવ્યું છે કે, ‘બધા જ મુજાહિદ્દીનને જણાવવામાં આવે છે કે, ઈદ ઉલ ફિતરના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન અફઘાન સૈનિકો પર હુમલો કરવો નહીં, આ સંદેશમાં તાલિબાને વધુમાં જણાવ્યું કે, જો મુજાહિદ્દીનો પર હુમલો કરવામાં આવશે તો મુજાહિદ્દીન તેનો બચાવ કરવામાં સ્વતંત્ર છે. જોકે વિદેશી સેનિકો સામે અમારી લડાઈ ચાલુ રહેશે, તેમના પર યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો નથી’.

અફઘાનિસ્તાનમાં વર્ષ 2001માં શરુ કરવામાં આવેલી અમેરિકન સૈનિકોની કાર્યવાહી બાદ આ પ્રથમ ઘટના છે જ્યારે આતંકી સંગઠન તાલિબાન ઈદના અવસરે સંઘર્ષવિરામ કરવા પર સહમત થયું છે.