નેપાળમાં દહેશત ફેલાવવાનો પ્રયત્ન, 28 સ્થળોએ મળી આવ્યાં શંકાસ્પદ પેકેટ

0
1013

કાઠમંડુ- પડોશી દેશ નેપાળમાં મંગળવારે સવારે 28 જગ્યાઓ પરથી શંકાસ્પદ પેકેટ મળતાં ભાગદોડ મચી ગઈ. કાઠમંડુના કીર્તિપુર અને જવાલાખેલમાં પણ બે શંકાસ્પદ પેકેટ મળી આવ્યાં હતાં.શંકાસ્પદ પેકેટ મળવાની આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે થોડા દિવસો અગાઉ જ નેપાળના નાયબ વડાપ્રધાન ઈશ્વર પોખરિયાલે કહ્યું હતું કે, શ્રીલંકામાં 21 એપ્રિલના રોજ ઈસ્ટરના દિવસે થયેલા આત્મઘાતી હુમલાએ સ્પષ્ટ અને મજબૂત સંદેશ આપ્યો છે કે, દક્ષિણ એશિયામાં નવા પ્રકારના આતંકવાદનો ખતરો ઉભો થયો છે.

નેપાળ પોલીસના પ્રવક્તા વિશ્વરાજ પોખરેલના જણાવ્યા અનુસાર એક પણ પેકેટમાં બોમ્બ ન હતો માત્ર ડર પેદા કરવા માટે આ પેકેટ રાખવામાં આવ્યાં હતાં. પરંતુ આ પેકેટ ખાલી હતાં.પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

નેપાળમાં સંરક્ષણ પ્રધાનનું પણ પદ સંભાળી રહેલા પોખરિયાલે કહ્યું કે નેપાળની સરકાર વિચારી રહી છે કે, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સંદર્ભોમાં આતંકવાદની આ જટિલ ઘટનાઓને સમજવી ખુબજ મહત્વપૂર્ણ છે.

તેમણે એમ કહ્યું કે, અમે એ  વિચારીએ છીએ કે, આતંકવાદ સામે લડવા માટે આપણે વિશ્વભરના આપણા મિત્રોના અનુભવોમાંથી શીખવાની જરૂર છે. પોખરિયાલે આતંકવાદની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઘરેલૂ, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રયાસ કરવા પર ભાર મુક્યો. વધુમાં તેમણે કહ્યું કે, બદલાયેલા સુરક્ષા વાતાવરણ પર પ્રકાશ પાડવા માટે નેપાળ સરકારે હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા નીતિ રજૂ કરી છે.