ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક્સ કર્યાનો મોદીનો દાવો ખોટોઃ પાકિસ્તાન

ઈસ્લામાબાદ – ભારતીય સેનાએ 2016માં પાકિસ્તાનની ધરતી પર સક્રિય ત્રાસવાદી છાવણીઓ પર સર્જિકલ હુમલા કરતા પહેલાં પાકિસ્તાનને એ વિશે જાણ કરી દેવામાં આવી હતી એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લંડનમાં જણાવ્યા બાદ આજે, પાકિસ્તાને પીએમ મોદીના દાવાને ખોટો અને પાયાવિહોણો ગણાવીને એને નકારી કાઢ્યો છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે પત્રકારોને જણાવ્યું છે કે ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક્સ કર્યાના દાવા ખોટા છે અને એને વારંવાર જણાવતા રહીને એને સત્યમાં ફેરવી શકાશે નહીં.

ફૈસલે વધુમાં ઉમેર્યું છે કે જુઠાણાને વારંવાર દોહરાવવાથી એ સત્ય બની જતું નથી. એવી વાતો થઈ રહી છે કે ભારત પાકિસ્તાનમાંના ત્રાસવાદી તત્વોને મદદ કરે છે. આખી દુનિયા જાણે છે કે ત્રાસવાદીઓ કોણ છે અને એમના વડા કોણ છે. ભારતીય જાસુસ કુલભૂષણ જાધવ ભારત સરકાર દ્વારા પ્રેરિત ત્રાસવાદનો પુરાવો છે.

પાકિસ્તાન ભૂતકાળમાં પણ સર્જિકલ હુમલાઓ વિશે ભારતના દાવાઓને નકારી ચૂક્યું છે.

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદીએ બુધવારે લંડનમાં સેન્ટ્રલ હોલ વેસ્ટમિન્સ્ટર ખાતે આયોજિત ભારત કી બાત, સબકે સાથ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનને એવી ચેતવણી આપી હતી કે ત્રાસવાદ ફેલાવનારાઓને ભારત સાંખી નહીં લે અને એમને એમની જ ભાષામાં જવાબ આપશે.