કાબુલમાં આત્મઘાતી હુમલાખોરે શિયા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કર્યાં, 48ના મોત

કાબુલ- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આત્મઘાતી હુમલાખોરોએ શિયા પ્રભુત્વવાળા વિસ્તારમાં યુનિવર્સિટી પરીક્ષાઓ માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 48 લોકોના મોત થયાના સમાચાર છે. અને 67 ઘાયલ થયા છે.  આ હુમલા માટે ઈસ્લામિક સ્ટેટ ગ્રૂપને જવાબદાર માનવામાં આવે છે. જોકે, સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી હજી સુધી કોઈ આતંકી સંગઠનોએ લીધી નથી.આપને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનના શિયા સમુદાય પર હાલના સમયમાં કરવામાં આવેલો આ સૌથી ભયાનક હુમલો છે. ઉલ્લેખનીય છે કે, આફઘાનિસ્તાનમાં આ સપ્તાહમાં જ તાલિબાનોએ અનેક પોલીસકર્મી અને સામાન્ય નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

હુમલાખોરે કાબુલના દશ્ત-એ-બારચા વિસ્તારમાં આવેલી એક ખાનગી ઈમારતમાં પોતાને ઉડાવી દિધો હતો. જ્યાં શિયા સમુદાયના બાળકો અભ્યાસ કરતા હતા. આ તમામ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યાં હતા. અફધાનિસ્તાનના આરોગ્ય વિભાગના પ્રવક્તા વાજિદ મજરુહોએ જણાવ્યું કે, ઘાયલોની ચોક્કસ સંખ્યા હજી જાણી શકાઈ નથી. અને મૃત્યુઆંક પણ વધે તેવી શક્યતા છે. મૃતકોમાં કેટલાક શિક્ષકોનો પણ સમાવેશ થયો છે.