ચાલો, સ્પેસમાં ફરવા જવાથી કોઇને કશું નુકસાન નથી: પૂર્વ અંતરિક્ષયાત્રી

કઝાકિસ્તાન: નાસાની પૂર્વ અંતરિક્ષ યાત્રી મેરી એલેન વેબરે કહ્યું કે, અંતરિક્ષ પર્યટનથી પર્યાવરણને કોઈ નુકસાન નથી. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે, અમેરિકાની સ્પેસ એજન્સી પહેલાં જ પર્યાવરણને અનુકૂળ પ્રણાલી પર કામ કરી રહી છે. મેરી એલેને કઝાકિસ્તાનની રાજધાની નૂર-સુલ્તાનમાં અમેરિકન દૂતાવાસમાં મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ઘણી બધી વસ્તુઓ પર્યાવરણને પ્રભાવિત કરે છે, અને મને નથી લાગતુ કે,  આપણે પર્યાવરણને પ્રભાવિત કરે એટલી સંખ્યામાં દર વર્ષે અંતરિક્ષમાં પર્યટકોને મોકલીએ છીએ.

મેરીએ વધુમાં કહ્યું કે, નાસા ઈંધણ વિકસિત કરવા પર કામ કરી રહ્યું છે, જે પર્યાવરણ માટે ઓછું નુકસાનકારક હશે. સાથે તેમણે એમ પણ કહ્યું કે, નાસા અંતરિક્ષની સુરક્ષા માટે મોટી માત્રામાં નાણાં ખર્ચે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2001થી 2009 દરમિયાન કુલ સાત યાત્રિકોએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની યાત્રા કરી. જેમાં પ્રથમ હતાં અમેરિકન બિઝનેસમેન ડેનિસ ટીટો જેમણે આ યાત્રા માટે બે કરોડ ડોલરની ચૂકવણી કરી હતી. વર્ષ 2009માં કેનેડાને વ્યાપારી ગી લેલીબેર્ટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો પ્રવાસ કર્યો હતો. બંન્ને જણાએ અમેરિકા સ્થિત એક ફર્મ સ્પેસ એડવેન્ચર્સ લિમિટેડના માધ્યમથી તેમના પ્રવાસનું બુકિંગ કરાવ્યું હતું.

નાસાના અંતરિક્ષ શટલની સેવાનિવૃતિ પછી  રશિયાનું સોયુઝ પૃથ્વી અને કક્ષીય મંચ વચ્ચે એકમાત્ર લિન્ક બની ગયું ત્યાર બાદ રશિયા અને અમેરિકાએ વર્ષ 2011માં સ્પેસ ટૂરિઝમને સ્થગિત કરવાનો નિર્ણય લીધો. તેની પાછળ અન્ય એક કારણ હતું કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના ક્રૂ મેમ્બરોની સંખ્યા ત્રણથી વધીને 6 થઈ ગઈ હતી જેથી સોયુઝ સ્ટેશનમાં રૂમની સંખ્યા ઘટી ગઈ હતી.

હાલમાં જ રશિયાની અંતરિક્ષ એજન્સી રોસ્કોસમોસ અને સ્પેસ એડવેન્ચર્સે વર્ષ 2021ના અંત સુધીમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનો માટે નાની ઉડાનો શરુ કરવા એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રશિયાએ સ્પેસ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે અન્ય એક પરિયોજનાની પણ જાહેરાત કરી છે. જેમાં નીડર યાત્રિઓને એક ઓફર કરવામાં આવી છે, જેમાં અંતરિક્ષ પ્રવાસીએ 12 એપ્રિલ 1961માં યૂરી ગાગારીનની જેમ 108 મિનિટ સુધી ફ્લાઈટથી પૃથ્વીને ફરતે આંટો મારે.

ઉલ્લેખનીય છે કે, મેરી એલેન વેબરે વર્ષ 2002માં નાસા છોડ્યું હતું, તેમણે કહ્યું કે, સ્પેસમાં ઉડાન ભરવી એક ખૂબજ મુશ્કેલ કામ છે અને ખતરનાક પણ છે. વેબરે એમ પણ કહ્યું કે, દરેક અંતરિક્ષ યાત્રીએ ઘેર પરત ન ફરવાની તૈયારી રાખવી જોઈએ.