ભારતની વિદેશ નીતિની અસર, PoKમાં રોકાણ નહીં કરે દક્ષિણ કોરિયા

સિઓલ- ભારતની વિદેશ નીતિની અસર હવે જોવા મળી રહી છે. દક્ષિણ કોરિયાએ વિદેશોમાં રોકાણ અને કામ કરનારી પોતાની કંપનીઓને પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં (PoK) રોકાણ નહીં કરવા અંગે ચેતવણી આપી છે. વધુમાં PoKમાં હાલમાં કામ કરી રહેલી કંપનીઓને પોતાનો વ્યવસાય સમેટી સ્વદેશ પરત આવી જવા જણાવવામાં આવ્યું છે. દક્ષિણ કોરિયાનું આ પગલું પાકિસ્તાન માટે આર્થિકક્ષેત્રે મોટો ઝાટકો માનવામાં આવે છે.

દક્ષિણ કોરિયાના નાયબ વિદેશપ્રધાને કહ્યું કે, સિઓલ ભારતની ચિંતાઓથી માહિતગાર છે. અને આ કારણે જ તેઓ પોતાની કંપનીઓને PoKમાં રોકાણ નહીં કરવાની સૂચના આપી છે. હવે ચીન એક માત્ર એવો દેશ છે જે હાલના સમયમાં PoKમાં રોકાણ કરી રહ્યું છે. ચીન દ્વારા આ વિસ્તારમાં વન બેલ્ટ વન રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. CEPC પ્રોજેક્ટ દ્વારા ચીન મધ્ય એશિયા સાથે પોતાનો વ્યવહાર જોડાવા માગે છે. જોકે ભારત ચીનના આ પ્રયાસનો વિરોધ કરી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, દક્ષિણ કોરિયા ભારત સાથે પોતાના રાજકીય સંબંધો સુધારવા સતત પ્રયાસ કરી રહ્યું છે. આ જ કારણ છે કે, દક્ષિણ કોરિયા એવું કોઈ પગલું લેવા નથી ઈચ્છતું જેનાથી બંને દેશો વચ્ચે કોઈ તણાવ ઉદભવે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયાએ ભારતને વિશ્વનો પાંચમો એવો દેશ ગણાવ્યો છે જે વેપાર માટે સૌથી સુરક્ષિત છે.

દક્ષિણ કોરિયાના નાયબ વિદેશપ્રધાને કહ્યું કે, અત્યાર સુધી દક્ષિણ કોરિયા માટે રશિયા, ચીન, અમેરિકા અને જાપાન એવા દેશ હતા, જે રાજકીય રીતે મહત્વના હતા. પરંતુ હવે તેમાં ભારતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પીએમ મોદીની વર્ષ 2015ની દક્ષિણ કોરિયાની મુલાકાત બાદ બંને દેશો વચ્ચે રાજકીય સંબંધનો નવો અધ્યાય શરુ થયો છે. બંને દેશ અનેક ક્ષેત્રોમાં સારા સંબંધો વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.