લશ્કરનો પંજાબ પ્લાન બેનકાબ, હાફિઝ સાથે જોવા મળ્યો શીખ આતંકી ચાવલા

ઈસ્લામાબાદ- એ વાતના પુરાવા સામે આવ્યા છે કે, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને જમાત-ઉદ-દાવા ભારતની વૈશ્વિક છબી ખરાબ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. લાહોરમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો પ્રમુખ આતંકી હાફિઝ સઈદ શિખ આતંકી નેતા ગોપાલસિંહ ચાવલા સાથે જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ પાકિસ્તાની અધિકારીઓના કહેવાથી ગોપાલસિંહ ચાવલાએ પાકિસ્તાન પહોંચેલા ભારતીય શિખ યાત્રીઓને ગુરુદ્વારા પંજાબ સાહેબમાં પ્રવેશ કરવાથી અટકાવ્યા હતા.વૈશ્વિક મંચ ઉપર ભારતને બદનામ કરવાની એક પણ તક પાકિસ્તાન જતી કરવા માગતુ નથી. ઉપરાંત પાકિસ્તાન સરહદે આવેલા પંજાબ પ્રાંતમાં અસ્થિરતા ફેલાવવા પણ પાકિસ્તાન સતત પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં જ બૈશાખી તહેવારના અવસરે પાકિસ્તાન સ્થિત નનકાના સાહિબ યાત્રાએ ગયેલા ભારતીય શિખ શ્રદ્ધાળુઓને ભારતીય દૂતાવાસના અધિકારીઓ જે સ્વાગત માટે ગયા હતા, તેમની સાથે મુલાકાત પણ કરવા દીધી નહતી.

એટલું જ નહીં ભારતીય શ્રદ્ધાળુઓની ઉશ્કેરણી કરીને તેેમને હાફિઝ સઈદ સાથે મુલાકાત કરાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગોપાલસિંહ ચાવલા પાકિસ્તાની જાસુસી સંસ્થા ISI માટે કામ કરે છે. અને ISI ઈચ્છે છે કે, આતંકી પ્રવૃત્તિઓને ભારત સહિત યુરોપમાં પણ ફેલાવો કરવામાં આવે. જેનું સમર્થન આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા પણ કરે છે.