પાકિસ્તાનના લોકોને શ્રીદેવીની ખોટ સાલશેઃ અદનાન સિદ્દિકી

0
861

દુબઈ/લાહોર – પાકિસ્તાની ફિલ્મ અભિનેતા અદનાન સિદ્દિકીએ અભિનેત્રી શ્રીદેવીનાં નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. એમણે ગયા વર્ષે આવેલી ‘મોમ’ ફિલ્મમાં શ્રીદેવીના પતિનો રોલ કર્યો હતો. એમણે કહ્યું છે કે પાકિસ્તાનમાં લોકોને શ્રીદેવીની ગેરહાજરીની ઘણી જ ખોટ સાલશે.

અદનાન સિદ્દિકી, શ્રીદેવી

બોની કપૂરના ભાણેજ મોહિત મારવાહના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા સિદ્દિકીને આમંત્રણ હતું અને તેઓ દુબઈમાં જ છે.

સિદ્દિકીએ કહ્યું કે, શ્રીદેવી હંમેશની માફક હસતાં ચહેરે ડાન્સ કરતા હતા, હંમેશની જેમ સુંદર અને તંદુરસ્ત દેખાતા હતા. કોને ખબર હતી કે ચાર દિવસ પછી શ્રીદેવી આ દુનિયામાં હયાત નહીં હોય. હું ગઈ 17 ફેબ્રુઆરીએ  એમના પતિ બોની કપૂરને મળ્યો હતો.

સિદ્દિકીએ કહ્યું કે, મને ખૂબ જ દુઃખ છે કે શ્રીદેવી હવે હયાત નથી અને આપણે એમને ફરી ક્યારેય જોઈ શકવાના નથી. પાકિસ્તાનના લોકોને પણ ભારતના લોકો જેટલી જ શ્રીદેવીની ખોટ સાલશે. ઈશ્વર શ્રીદેવીના પરિવારજનોને શક્તિ આપે. મને ‘મોમ’ ફિલ્મમાં શ્રીદેવી સાથે કામ કરવા મળ્યું એને હું મારું ગૌરવ સમજું છું.

પાકિસ્તાનના અન્ય કલાકારો – સજલ અલી, રાહત ફતેહ અલી ખાન, માહિરા ખાન અને અલી ઝફરે પણ શ્રીદેવીના નિધન અંગે શોક અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.

સજલ અલીએ પણ ‘મોમ’ ફિલ્મમાં કામ કર્યું હતું. એમાં તે શ્રીદેવીની દીકરી બની હતી. એણે ટ્વીટ કરીને લખ્યું છે કે, મેં ફરી મારી મોમને ખોઈ દીધી છે.

ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં સજલ અલીનાં માતાનું કેન્સરની બીમારીને કારણે અવસાન થયું હતું.

https://www.instagram.com/p/BfnKdH2AiQL/

અન્ય પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન (રઈસ ફેમ)એ ટ્વીટ કર્યું છે કે, હું એ વાતે બહુ ખુશ છું કે મારો ઉછેર શ્રીદેવીના સમયમાં થયો. તમે આપેલી ફિલ્મો બદલ તમારો ખૂબ આભાર… તમારા મેજિક બદલ આભાર. તમે હંમેશાં જિવીત રહેશો… મહાન કલાકાર… અમને એમના માટે રડવું આવે છે, દુઃખ થાય છે, કારણ કે એમણે અમને અમારી જાતને ઓળખવામાં ઘણી મદદ કરી હતી.