US સૈન્યના અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ભારતીય યુવાનનું ખૂબ મોટું પ્રદાન

મેરઠ: અમેરિકન સૈન્ય માટે એક અનોખી સિસ્ટમ વિકસિત કરવા માટે ભારતીય મૂળના વૈજ્ઞાનિક ગૌરવ શર્માની પસંદગી કરવામાં આવી છે. ગૌરવ શર્મા મૂળ મેરઠના રહેવાસી છે. આ સિસ્ટમની મદદથી સૈનિકો માત્ર તેમના વિચારોથી ડ્રોન, રોબોટ અને અન્ય બીજા મશીનોને કન્ટ્રોલ કરી શકશે. આ કામ માટે યુએસ ડિફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી (DARPA)એ ગૌરવ શર્માની ટીમ સાથે 2 કરોડ અમેરિકન ડોલર (લગભગ 1.39 અબજ રૂપિયા)નો કરાર કર્યો છે. ગૌરવ શર્મા એ સમયે ચર્ચામાં આવ્યાં જ્યારે એમણે 2016માં એવી ટેકનોલોજી વિકસિત કરી કે જેની મદદથી એક લકવાગ્રસ્ત વ્યક્તિ તેમના વિચારોની મદદથી હાથનું હલનચલન કરવામાં સફળ રહ્યો હતો.

DARPA એ તેમના અધિકારીક નિવેદનમાં કહ્યું કે, કુલ 6 ટીમો માંથી ગૌરવ શર્માની ટીમ એક એવી ટીમ છે જેમણે બ્રેન-મશીન ઈન્ટરફેસ ડેવલપ કરવા માટે ગ્રાન્ટ મળી છે. ગૌરવ શર્મા (40) હાલ અમેરિકા સ્થિત રિસર્ચ સંસ્થા બટૈલેમાં સિનિયર રિસર્ચ વૈજ્ઞાનિક છે.

ગૌરવ શર્માને એક એવી ટેકનોલોજી વિકસિત કરવાની જવાબદારી સોપવામાં આવી છે જેમાં ઓછામાં ઓછી સર્જરી કરીને એક એવું પ્લેટફોર્મ તૈયાર કરવાનું છે જેના આધાર પર માણસનું મગજ અને મશીન એક બીજા સાથે સંકેતોનું આદાનપ્રદાન કરી શકે. જેના માટે ગૌરવ એક નેનોટ્રાન્સડયૂસર વિકસિત કરવાના પ્રોજેકટની આગેવાની કરી રહ્યા છે.

નવર્સ સિસ્ટમને સમજવાની દિશામાં ક્રાંતિ લાવી શકે છે આ પ્રોજેક્ટ

નેનોટ્રાન્સડ્યૂસર અથવા તો નેનો સેન્સરને અસ્થાઈ રીતે શરીરમાં ઈજેક્ટ કરીને પહોંચાડવામાં આવશે. જેની મદદથી આપણું મગજ હેલમેટ આધારિત ટ્રાન્સસીવરનો ઉપયોગ કરીને મશીનો, રોબોટ અને ડ્રોન સાથે સંપર્ક કરી શકશે. આ સિસ્ટમને બ્રેનસ્ટોર્મ (Brain System to Transmit Or Receive Magnetoelectric Signals) નામ આપવામાં આવ્યું છે.

ગૌરવ શર્માએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલી જાણકારીમાં કહ્યું કે, આ પ્રોજેક્ટ ખુબજ રોમાંચક છે. જેની મારફતે આપણે માણસ અને મશીનો વચ્ચેના સંપર્કને વધુ સુવિધાજનક બનાવવા માટે ઈન્જિનિયરિંગ અને ભૌતિકશાસ્ત્રની સીમાઓને વધુ વ્યાપક બનાવી શકશું. આ ઉપરાંત આ આપણી નર્વસ સિસ્ટમ અંગે ક્રાતિકારી જાણકારી આપી શકે છે.

ગૌરવે અમેરિકાની રટગર્સ યૂનિવર્સિટીમાંથી મેકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ તેમણે બોસ્ટનની નોર્થઈસ્ટર્ન યૂનિવર્સિટીથી નેનોટેક્નોલોજીમાં પીએચડીની પદવી મેળવી છે. ગૌરવ શર્માએ વર્ષ 2016માં ન્યૂરો લાઈફ નામની ન્યૂરોપ્રોસ્થેટિક ટેકનિકનો વિકાસ કરી દુર્ઘટનામાં લકવાનો શિકાર થયેલા વ્યક્તિને ફરીથી સક્રિય કરીને પ્રસિદ્ધિ મેળવી હતી.