પ્રિન્સ સલમાને પોતાની યાત્રા દરમિયાન પાકિસ્તાન માટે ખજાનો ખોલ્યો…

0
1231

ઈસ્લામાબાદઃ સાઉદી અરબિયાના ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને પાકિસ્તાન સાથે 20 અબજ ડોલરની 8 જેટલી સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે. વલી અહદનું પદ સંભાળ્યા બાદ સલમાનની આ પ્રથમ પાકિસ્તાન યાત્રા છે અને તેમની યાત્રા પહેલા પુલવામા હુમલાના કારણે કેટલીક અનિશ્ચિતતાઓ નજરે આવી રહી હતી. એટલા માટે તેમની પાકિસ્તાન યાત્રા એક દિવસ મોડી થઈ. પ્રાપ્ત વિગતો અનુસાર આમાં પાકિસ્તાની પોર્ટ ગ્વાદરમાં સાઉદી અરબની તેલ કંપની અરામકોની રિફાઈનરીની સમજૂતી પણ શામિલ છે જે દુનિયાની સૌથી મોટી રિફાઈનરીઓ પૈકી એક છે.

અલ અરબિયાએ સાઉદી ક્રાઉન પ્રિંસના હવાલાથી કહ્યું કે સાઉદીના લોકોનો એક પ્રિય દેશ છે અને અમે ભાગીદાર થઈશું કારણ કે અમે હંમેશાથી ભાગીદાર રહ્યા છીએ. તેમણે કહ્યું કે સાઉદી અરબ અને પાકિસ્તાન આર્થિક ભાગીદારી અને ખાસકરીને પર્યટન ક્ષેત્રમાં વિસ્તાર કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. ક્રાઉન પ્રિંસ વર્તમાનમાં રવિવારથી શરુ થયેલી પોતાની એશિયાઈ યાત્રાના પ્રથમ ચરણમાં પાકિસ્તાનના બે દિવસીય અધિકારીક પ્રવાસ પર છે. ત્યારબાદ તેઓ ભારત અને ચીન પણ જશે.

સલમાન અને તેમના પ્રતિનિધિમંડળના ભવ્ય સ્વાગત માટે ઈસ્લામાબાદમાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સંસદ ભવન પર સલમાનની 120 ફૂટ ઉંચી અને 45 ફૂટ જાડી વિશાળ તસવીર લગાવવામાં આવી છે. ત્યાં પહોંચવા પર તેમને 21 તોપોની સલામી આપવામાં આવી. સલમાનનું વિમાન રાવલપિંડીના નૂર ખાન વાયુ સેનાના બેઝ પર ઉતર્યું. વિમાનથી તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાતે તેમનું સ્વાગત કર્યું. વડાપ્રધાનના મંત્રિમંડળીય સહયોગી તેમજ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પણ ત્યાં તેમના સ્વાગત માટે ઉપસ્થિત હતા. પ્રોટોકોલ તોડતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતે ડ્રાઈવ કરતા સલમાનને પીએમ હાઉસ લઈ ગયા જ્યાં તેમના સ્વાગત માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસર પર સુરક્ષાના વ્યાપક બંદોબસ્ત કરવામાં આવ્યા છે અને તમામ મહત્વપૂર્ણ સરકારી કાર્યાલયો અને દૂતાવાસો સુધી જનારા રસ્તાઓને સીલ કરી દેવામાં આવ્યા છે. શહેર અને પ્રવેશ સ્થાનો પર 1000 થી વધારે સુરક્ષા તપાસ ચોકીઓ બનાવવામાં આવી છે. મહોમ્મદ બીન સલમાન માટે ચાર સ્તરીય સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે.