સાઉદી અરબની કબૂલાત: પત્રકાર જમાલ ખશોગીનું મોત થયું છે

રિયાદ- ચોતરફી દબાણ અને અંદાજે બે સપ્તાહ સુધી ઈનકાર કર્યા બાદ આખરે સાઉદી અરબે માન્યુ કે ગૂમ થયેલા પત્રકાર જમાલ ખશોગીનું મોત થયું છે. સાઉદી અરબે કબૂલ્યું છે કે ઈસ્તાંબુલ સ્થિત સાઉદી એમ્બેસીમાં થયેલી ઝપાઝપી દરમિયાન પત્રકાર જમાલ ખશોગીનું મોત થઈ ગયું હતું.

સાઉદી અરબના અટોર્ની જનરલ પ્રમાણે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે એમ્બેસીમાં ખશોગીની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન મારપીટમાં પત્રકારનું મોત થયું છે. જોકે, એટોર્ની જનરલે કહ્યું કે હાલ તપાસ ચાલી રહી છે. આ મામલામાં સાઉદી અરબના 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી ઇન્ટિલિજન્સ ચીફ એહમદ અલ અસીરી અને ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના કાનૂની સલાહકાર અલ કથાનીને બરતરફ કરવામાં આવ્યાં છે.

મહત્વનું છે કે, 2 ઓક્ટોબરના રોજ ખશોગી ગુમ થયા બાદ સાઉદી અરબના અધિકારીએ હવે પહેલીવાર પત્રકારની હત્યા થવાની વાત કબૂલી છે. આ પહેલા સાઉદીના અધિકારી વારંવાર દાવો કરી રહ્યાં હતાં કે ખશોગી એમ્બેસીથી સહી-સલામત બહાર ગયા હતા અને તેમના વિશે કોઈ વધુ જાણકારી નથી.

ઉલ્લેખનીય છે કે, તુર્કીના અધિકારીઓએ દાવો કર્યો હતો કે 15 સાઉદી એજન્ટોએ ખશોગીની વાણિજ્ય દૂતાવાસમાં હત્યા કરી દીધી અને તેમના શરીરના ટુકડા ટુકડા કરી દીધા છે. જમાલ ખશોગી સાઉદી અરબના રહેવાસી છે અને વોશિંગટન પોસ્ટમાં લેખ લખતા હતાં.

જમાલ ખશોગીના મોતની ડોનાલ્ડ ટ્રમ્પે પણ ગંભીર નોંધ લીધી હતી, અને એવું નિવેદન આપ્યું હતું કે, જો ખશોગીની હત્યા કરવામાં આવી હશે તો સાઉદી અરબે તેના ગંભીર પરીણામો ભોગવવા પડશે.