US જ નહીં, વિશ્વનું ટેન્શન વધારતી રશિયાની હાઈપરસોનિક મિસાઈલ

મોસ્કો-  દુનિયાની ટોચની મહાસત્તાઓમાં સુમાર રશિયા દ્વારા એક હાઈપરસોનિક મિસાઈલ એવનગાર્ડનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઈલના સફળ પરીક્ષણ બાદ રશિયાના અધિકારીઓ દ્વારા દાવો કરાયો છે કે, આ હથિયાર દુનિયાની કોઈ પણ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં સક્ષમ છે.

રશિયાની નવી હાઈપરસોનિક મિસાઈલ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે વખતે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિન પણ હાજર રહ્યાં હતાં. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એવનગાર્ડ મિસાઈલ સિસ્ટમના સફળ પરીક્ષણ સંદર્ભે જણાવ્યું કે પુતિન રાષ્ટ્રીય સંરક્ષણ કેન્દ્ર પહોંચ્યાં હતાં અને તેમણે સિસ્ટમના પરીક્ષણને શરું કરવાનો નિર્દેશ આપ્યો હતો.

રશિયાના ડેપ્યુટી PM યુરી બોરીસોવે જણાવ્યું હતું કે, એવનગાર્ડ હાઈપરસોનિક મિસાઈલ અવાજની ગતિ કરતા ૨૭ ગણું વધુ તેજ છે, જેના કારણે તેને ઇન્ટરસેપ્ટ કરવું અશક્ય છે અને અમેરિકા માટે પણ તે અભેદ છે. આ મિસાઈલ કોઈ પણ દેશની ડિફેન્સ સિસ્ટમને બેકાર સાબિત કરવા સક્ષમ છે.

મળતી માહિતી મુજબ, આ હાઈપરસોનિક મિસાઈલને આગામી વર્ષે રશિયન સેનામાં શામેલ કરવામાં આવશે. આ પહેલા રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે, રશિયા નવા પ્રકારના હથિયારોને બનાવનારો દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે અને આ દેશની સુરક્ષાને અભેદ બનાવશે.

ઉલ્લેખનીય છે કે, પુતિને પહેલા જ દાવો કર્યો હતો કે એવનગાર્ડ મિસાઈલ સિસ્ટમ હાલની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ધડમૂળથી બદલી નાખશે. આ નવી હાઈપરસોનિક મિસાઈલ સિસ્ટમના આખરી પરીક્ષણ બાદ પુતિને કહ્યું હતું કે રશિયા પાસે હવે નવા પ્રકારનું સ્ટ્રેટજીક વેપન ઉપલબ્ધ છે અને એવનગાર્ડ સિસ્ટમ 2019થી ઉપયોગમાં લઈ શકાશે.

માર્ચમાં પોતાના વાર્ષિક સંબોધનમાં પુતિને કહ્યુ હતું કે એવનગાર્ડ સિસ્ટમ નવી જનરેશનની ઈન્વિસિબલ વેપનરીમાં સામેલ થશે. આ હાઈપરસોનિક મિસાઈલ અવાજથી 27 ગણી વધુ ઝડપથી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે તે કોઈપણ ડિફેન્સ સિસ્ટમને ભેદવા માટે સક્ષમ છે.