રોહિંગ્યા સંકટ: સૂકીની પેનલમાંથી અમેરિકન રાજદૂતે રાજીનામું આપ્યું

મ્યાંમાર- હિંસા પ્રભાવિત રખાઈન પ્રાંતમાં સાંપ્રદાયિક તણાવ ઘટાડવાના આશયથી મ્યાંમારના નેતા આંગ સાન સૂકી દ્વારા બનાવવામાં આવેલી પેનલમાંથી અમેરિકાના રાજદૂત બિલ રિચર્ડસને ગત રોજ તેમના પદેથી રાજીનામું આપી દીધું છે.રાજીનામું આપ્યા બાદ બિલ રિચર્ડસને આંગ સાન સૂકીમાં નેતૃત્વનો અભાવ હોવાની વાત જણાવી તેંની આલોચના કરી હતી. આપને જણાવી દઈએ કે, સૂકીને શાંતિ માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

અમેરિકાના પૂર્વ ગવર્નર અને એક સમયના સૂકીના સહયોગી રહેલા રિચર્ડસને કહ્યું કે, તે એવી સમિતિમાં કામ નથી કરી શકતા જ્યાં લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા હોય. રિચર્ડસને રોહિંગ્યા મામલે સંબંધીત ખબરોનું કવરેજ કરી રહેલા બે પત્રકારોને મુક્ત કરવા અંગે પણ સૂકી સમક્ષ રજૂઆત કરી છે. અને પોતાની વાત નહીં સાંભળવાને લઈને રિચર્ડસને સૂકી સમક્ષ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં રોહિંગ્યા મુદ્દે મ્યાંમાર ઘણું ચર્ચામાં રહ્યું છે. ભારતમાં પણ લાખો રોહિંગ્યા શરણાર્થી વસેલા છે. જેને પરત મોકલવા અંગે વિચારણા ચાલી રહી છે. જોકે સુપ્રીમ કોર્ટે બીજો આદેશ ન આપે ત્યાં સુધી રોહિંગ્યાઓને ભારતમાં રહેવાની છૂટ આપી છે. હાલમાં મ્યાંમારની નેતા આંગ સાન સૂકી ભારત આવ્યા છે ત્યારે બન્ને દેશો વચ્ચે આ મુદ્દે ચર્ચા થાય તેવી શક્યતા છે.

વિશ્વના સૌથી પીડિત અલ્પસંખ્યક સમુદાય પૈકી એક રોહિંગ્યા મુસલમાનને માનવામાં આવે છે. જોકે તેની સૌથી મોટી સમસ્યા એ છે કે, તેઓ જે પણ દેશમાં શરણાર્થી બનીને રહે છે, ત્યાં તેમને જે-તે દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો માનવામાં આવે છે. રોહિંગ્યા સમુદાય પર હમેશા આતંકીઓને મદદ કરવાનો આરોપ લાગતો રહ્યો છે. જેથી તેમને શરણ આપવા કોઈ દેશ તૈયાર નથી થતાં.