વ્હાઈટ હાઉસ જળબંબોળ, અમેરિકામાં પૂરપ્રકોપની સ્થિતિ…

વોશિંગ્ટનઃ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ભારે વરસાદને લઈને સ્થિતી ખરાબ બની છે. અહીંયા રોડ પર પાણી ભરાઈ ગયા છે અને લોકો કારની છતો પર ચડીને જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે વોશિંગ્ટન ડીસીમાં ગઈકાલે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વરસાદના કારણે વોશિંગ્ટન ડીસીમાં નોર્થ વેસ્ટર્ન ડીસી, સાઉથર્ન મોંટગોમેરી, ઈસ્ટ સેન્ટ્રલ લૌડૌન કાઉન્ટી, અર્લિંગ્ટન કાઉન્ટી, ફાલ્સ ચર્ચ અને નોર્થ ઈસ્ટર્ન ફૈયરફેક્સ કાઉન્ટીના વિસ્તારો અત્યારે ખૂબ પ્રભાવિત થયા છે.

છેલ્લા એક કલાક દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે વોશિંગટન ડીસી પાસેથી પસાર થતી પોટોમેક નદીમાં પૂર આવ્યું હતું.

વ્હાઈટ હાઉસની વેસ્ટ વિંગની નજીક આવેલા પ્રેસ વર્કશોપના ભોંયરામાં પાણી ઘુસી જતાં કર્મચારીઓએ વેક્યુમ ક્લિનરની મદદથી પાણી કાઢ્યું હતું, ભારે પૂરના કારણે સડકો પર કેડસમા પાણી વહેતા થઈ જતાં વાહનો ફસાઈ ગયા હતા.

અમેરિકાના હવામાન ખાતાએ લોકોને પાણી ભરાયેલા વિસ્તારમાં વાહન ન ચલાવવાની સલાહ આપી છે. હવામાન ખાતાએ જણાવ્યું કે, અતિભારે વરસાદના કારણે પૂર આવ્યું છે.

શહેરી વિસ્તારો, હાઈવે, સ્ટ્રીટ્સ અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.