US વિદેશપ્રધાન ભારત પ્રવાસે, આતંક મુદ્દે પાક.ને ફટકાર

વોશિંગ્ટન- અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટિલરસન તેમના ત્રણ દિવસના ભારત પ્રવાસે નવી દિલ્હી આવી પહોંચ્યા છે. આજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં ભારત-અમેરિકાની વ્યૂહાત્મક  ભાગીદારી વધારે મજબૂત બનાવવાના મુદ્દાને આવરી લેવામાં આવી શકે છે. ઉપરાંત એશિયામાં ચીનના વધી રહેલા પ્રભુત્વ અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.

આ પહેલા ટિલરસને મંગળવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ અબ્બાસી સાથે મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સહયોગ તેમજ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે આર્થિક સંબંધો વધારવા ઉપર ભાર મુક્યો હતો. અને આ અંગે પાકિસ્તાનની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત બે મહિના દરમિયાન ટ્રમ્પ વહીવટીતંત્રના બીજા સર્વોચ્ચ પદાધિકારી ભારતની મુલાકાતે આવ્યા છે. અગાઉ ગત મહિને અમેરિકાના સંરક્ષણપ્રધાન જેમ્સ મેટિસ પણ ભારતની મુલાકાતે આવ્યા હતાં. ટિલરસનની ત્રણ દિવસની ભારત મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ટિલરસન સાથે ભારત-અમેરિકા ભાગીદારી વધારે સંગીન બનાવવાના મુદ્દાને ચર્ચામાં આવરી લેવામાં આવશે.

પાકિસ્તાનને ફટકાર

પાકિસ્તાની એમ્બસીએ જણાવ્યું કે, ટિલરસને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એ સંદેશનું પુનરાવર્તન કર્યું હતું જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે, પાકિસ્તાને પોતાની ધરતી ઉપરથી સક્રિય આતંકવાદ અને આતંકવાદીઓનો સફાયો કરવા પ્રયાસ કરવા જોઈએ.