H1-B વિઝાધારકોને રાહત, પરત નહીં ફરવું પડે સ્વદેશ

વોશિંગ્ટન- અમેરિકામાં રહેતા ભારતીયો માટે સારા સમાચાર આવી રહ્યાં છે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું છે કે, ટ્રમ્પ પ્રશાસન H1-B વિઝા ધારકોને દેશ છોડવા માટે મજબૂર કરતાં કોઈ પણ પ્રસ્તાવ અંગે વિચાર નથી કરી રહ્યું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક દિવસોમાં એવા સમાચાર સામે આવી રહ્યાં હતાં કે, ટ્રમ્પ પ્રશાસન H1-B વિઝાધારકોને અમેરિકા છોડવા મજબૂર કરતો કાયદો પસાર કરી શકે છે. જોકે યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝ (USCIS) તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ટ્રમ્પ પ્રશાસન તરફથી આવી કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. જો આવો કોઈ ઠરાવ પાસ કરવામાં આવે તો અમેરિકામાં રહેતા H1-B વિઝા ધારક 7.5 લાખ ભારતીયોને અમેરિકા છોડવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હોત.

રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, H1-B વિઝાધારકોની સમયમર્યાદા વધારવાને લઈને સ્થિતિ સ્પષ્ટ ન હતી. અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યું કે, USCIS આ પ્રકારના કોઈપણ બદલાવ અંગે હાલમાં નથી વિચારી રહ્યું જેમાં H1-B વિઝાધારકોને અમેરિકા છોડવું પડે. H1-B વિઝાધારકોને એક્સટેન્શન આપવામાં આવી શકે છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા આવા કોઈ પણ પ્રસ્તાવને મંજૂરી નહીં આપવાની સ્પષ્ટતા બાદ H1-B વિઝા ધારકોને છ વર્ષથી ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહેલાં લોકોને ભારત પરત નહીં ફરવું પડે.

ટ્રમ્પ પ્રશાશનના અધિકારીએ જણાવ્યું કે, પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા ‘બાય અમેરિકન, હાયર અમેરિકન’ની નીતિને અમલમાં મુકવા સ્થાનિક એજન્સીઓ અનેક બદલાવ સુચવી રહી છે. જે અંતર્ગત રોજગાર સાથે જોડાયેલા તમામ વિઝા કાર્યક્રમમોની સમીક્ષા કરવામાં આવશે. જોકે USCISના અધિકારીએ જણાવ્યું કે, અમારા તરફથી આ અંગેનો કોઈ જ સૂચન રજૂ કરવામાં આવ્યું નથી.