ઈમરાન ખાને કશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો; કહ્યું, ‘હું ભારત સાથે સંબંધો સુધારવા તૈયાર છું’

ઈસ્લામાબાદ – પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણીમાં શાનદાર જીત તરફ અગ્રેસર પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા અને ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન ઈમરાન ખાને આજે જણાવ્યું છે કે પોતે ભારત સાથે સંબંધો સુધારવા તૈયાર છે.

ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટી 272 બેઠકોની સંસદમાં 119 બેઠકો પર આગળ હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) પાર્ટી 64 બેઠકો સાથે બીજા નંબરે અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી 43 બેઠકો સાથે ત્રીજા નંબર પર હતી. ઈમરાન ખાન પાકિસ્તાનના નવા વડા પ્રધાન બને એ નિશ્ચિત છે.

ઈમરાન ખાન પોતે બે સીટ પરથી વિજયી થયા છે. ઈસ્લામાબાદની સીટ પર એમણે ભૂતપૂર્વ વડા પ્રધાન અને પીએમએલ (એન)ના નેતા શાહિદ ખાકન અબ્બાસીને પરાજય આપ્યો છે.

ચૂંટણીના પરિણામો આવી રહ્યા હતા એ દરમિયાન ટીવી પર કરેલા સંબોધનમાં ઈમરાન ખાને કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં કશ્મીર મુખ્ય પ્રશ્ન છે. એ સંબંધિત વિવાદો ઉકેલવા માટે જો ભારત તૈયાર હો યતો અમે પણ તૈયાર છે. બંને દેશની નેતાગીરીએ સાથે બેસીને ચર્ચા કરવાની જરૂર છે. ભારત જો એક ડગલું આગળ વધશે તો અમે બે ડગલાં આગળ વધીશું. બંને દેશે દોષારોપણ બંધ કરવાની જરૂર છે. દોષારોપણ કર્યે રાખવાથી એકેય દેશને લાભ નહીં થાય.

ઈમરાને પોતાના ભાષણમાં ભારત વિશે બોલવાનું શરૂ કર્યું ત્યારે સંબોધનની શરૂઆતમાં જ કહ્યું કે, હું અફસોસ સાથે કહેવા માગું છું કે મારા ચૂંટણી પ્રચારનું ભારતીય મીડિયાએ જે રીતે કવરેજ કર્યું છે એનાથી મને નારાજગી ઉત્પન્ન થઈ છે. મને એવું લાગે છે કે જાણે હું બોલીવૂડનો કોઈ વિલન છું.

PTI પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોએ અંતિમ પરિણામો આવે એ પહેલાં જ ઉજવણી શરૂ કરી દીધી છે, પરંતુ ઈમરાન ખાને પરિણામ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન કે ટ્વીટ સુદ્ધાં કર્યું નથી.

ઈમરાને કહ્યું કે હું અલ્લાહનો આભારી કે હું રાજકારણમાં પ્રવેશ્યાના 22 વર્ષે અમારી મહેનત આજે રંગ લાવી છે. મારી પ્રાર્થનાનો જવાબ આવ્યો છે. દેશની સેવા કરવાનું મારું સપનું સાકાર કરવાની મને તક મળી છે. હું પાકિસ્તાનને માનવતાથી સભર દેશ બનાવવા માગું છું.

ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાનની અડધી વસ્તી ગરીબીની રેખા નીચે જીવે છે. આપણે દેશમાં ગરીબી નાબુદ કરવાની છે. મારી બધી નીતિઓ દેશના ગરીબ અને નબળા વર્ગોના લોકોને સદ્ધર બનાવવા માટેની રહેશે. ઈમરાને ચીનની ગરીબી નાબુદી યોજનાની પ્રશંસા કરી હતી એ રીતે પોતાની સરકારનો ઝોક ચીન તરફ રહેવાનો સંકેત આપ્યો હતો.

ઈમરાને વધુમાં કહ્યું કે, અમે દેશમાં કાયદાનું શાસન જાળવી રાખીશું. મારી સરકાર બદલાની ભાવનાથી કામ નહીં કરે. જ્યાં સુધી અર્થતંત્ર નહીં સુધરે ત્યાં સુધી ઈન્વેસ્ટમેન્ટ નહીં આવે.

પોતાના ભૂતકાળ વિશે બોલતાં ઈમરાને કહ્યું કે હું રાજકારણમાં એટલા માટે આવ્યો હતો કે હું એવું પાકિસ્તાન બનાવવા ઈચ્છતો હતો જેવું મોહમ્મદ અલી જિન્નાહ બનાવવા માગતા હતા. આ વખતની ચૂંટણી ઐતિહાસિક છે. હું ખાસ કરીને બલુચિસ્તાનના લોકોનો આભાર માનું છું જેઓ ત્રાસવાદના ડર છતાં મોટી સંખ્યામાં વોટ આપવા માટે બહાર પડ્યા હતા.

પાકિસ્તાનમાં લોકશાહી મજબૂત બની રહી છે. ઘણા ત્રાસવાદી હુમલાઓ છતાં ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી થઈ શકી છે.